તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધા, 30 મિનિટમાં 28 લાડુ ખાઈને વિંછીયાના બળવંતભાઈ બન્યા વિજેતા

વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી ગ્રામીણ ઓલિમ્પિક્સ લાડુ સ્પર્ધામાં બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 28 લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 15 Sep 2026 09:17 PM (IST)Updated: Tue, 15 Sep 2026 09:19 PM (IST)
tarnetar-mela-laddu-competition-balwantbhai-from-vinchhiya-wins-with-28-laddus

Tarnetar Mela Laddu Competition: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી 'લાડુ સ્પર્ધા' લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને દર્શકો ઉમટી પડ્યા હતા.

કોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ સ્પર્ધા?

આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

28 સ્પર્ધકો વચ્ચે રોમાંચક જંગ

આ અયુગ્મ સ્પર્ધામાં 25 થી 75 વર્ષની વયજૂથના 28 જેટલા ઉત્સાહી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નિયમો: તમામ સ્પર્ધકોએ 30 મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા.

પ્રથમ તબક્કો: સ્પર્ધા શરૂ થતાં જ સ્પર્ધકો દ્વારા ઝડપથી લાડુ ખાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલા લાડુ આરોગીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

અંતિમ રસાકસી: આખરી તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. સ્પર્ધકો જ્યારે 22, 24 અને 26 લાડુ સુધી પહોંચ્યા, ત્યારે મેદાનમાં હાજર દર્શકોએ તાળીઓ અને ચિચિયારીઓથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

naidunia_image

બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા

સ્પર્ધાની આખરી મિનિટોમાં ભારે ઉત્સુકતા વચ્ચે, ગત વર્ષના પણ વિજેતા રહેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ નિર્ધારિત 30 મિનિટમાં કુલ 28 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ અંકિત કર્યો હતો. નિયમ મુજબ માત્ર એક જ વિજેતા ચૂંટવાનો હોવાથી બળવંતભાઈને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને પ્રતિક્રિયા

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોના આટલા મોટા ઉત્સાહ અને સહયોગથી જ સ્પર્ધકોને સાચો આનંદ મળ્યો છે. તરણેતરનો આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાની સાથે ભાઈચારાની ભાવના વધારે છે.

આ ભવ્ય આયોજનમાં મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે. એન. કાચા અને જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને વિજેતા સ્પર્ધકને પ્રોત્સાહિત કર્યા હતા.