Surendranagar News: વઢવાણમાં રૂ. 17.60 લાખના ડ્રગ્સ સાથે બિશ્નોઈ ગેંગના સાગરીતો ઝડપાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jun 2023 05:14 PM (IST)Updated: Thu, 01 Jun 2023 05:14 PM (IST)
surendranagar-news-lawrence-bishnoi-gang-companion-held-with-drugs

સુરેન્દ્રનગર.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં SOG અને LCBએ દરોડો પાડી રૂ.17.60 લાખની કિંમતના મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સાગરિતો સહિત 3ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો ઝાલાવાડ પંથકમાં કોને સપ્લાય કરવાનો હતો તે બાબત ઉપર હાલ તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.

વઢવાણમાં શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં બિશ્નોઈ ગેંગના સાગરિતો ડ્રગ્સના જથ્થા સાથે છૂપાયા હોવાની બાતમીના આધારે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દૂધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBના PI વી.વી.ત્રિવેદી તેમજ એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે વોચ ગોઠવી ફલેટ નં.104માં દરોડો પાડયો હતો.

આ દરમિયાન ફલેટમાંથી રૂ.17.60 લાખની કિંમતના 176 ગ્રામ મેફેડ્રાન ડ્રગ્સના જથ્થા સાથે પંજાબના ફાજીલકા જિલ્લાા અબોહર તાલુકાના ખેરપુર ગામના વતની બિશ્નોઈ ગેંગના અક્ષય રામકુમાર ડેલુ (ઉ.22) અને અંકિત વિષ્ણુરામ કાંકકડ (ઉ.22) તેમજ કચ્છના અબડાસા તાલુકાના વાકુ ગામના વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.30)ની ધરપકડ કરવામાં આવી હતી.

આ ત્રણેય શખ્સો પાસેથી પાંચ મોબાઈલ અને વાયફાઈ ડોંગલ મળી આવ્યું હતું. ત્રણેયની પુછપરછમાં જાણવા મળ્યું કે, બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા અને લોરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે કામ કરતાં અશોક અને અંકિત બન્ને કચ્છના વિક્રમસિંહ સાથે મળી આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા આવ્યા હતાં. ઝાલાવાડમાં કોને આ જથ્થો સપ્લાય કરવાનો હતો? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ અક્ષય અને અંકિત બન્ને વિરૂદ્ધ રાજસ્થાનમાં હત્યાની કોશિશ, 50 લાખની ખંડણી માંગવા તેમજ અન્ય 4 જેટલા ગુના નોંધાયેલા છે. બન્ને ઉપર રાજસ્થાન પોલીસે 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે.

જ્યારે અન્ય એક આરોપી વિક્રમસિંહ જાડેજા સામે વર્ષ 2017માં જખૌ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં તેને આજીવન કેદની સજા થતાં તે રાજકોટ જેલમાં સજા કાપતો હતો. જો કે 10 દિવસની પેરોલ રજા મળ્યા બાદ તે 13 ફેબ્રુઆરીથી ફરાર થઈ ગયો હતો અને સુરેન્દ્રનગર પોલીસે તેને ડ્રગ્સના જથ્થા સાથે તેને ઝડપી લીધો છે.