Surendranagar News: કહેવાય છે કે સંસારમાં નાની ગેરસમજ ક્યારેક મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ જો સમયસર સમજાવટનો સેતુ બાંધવામાં આવે તો તૂટતા પરિવારો બચી શકે છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટનામાં ગુજરાત સરકારની '181 અભયમ' મહિલા હેલ્પલાઇન ટીમે એક માતાને તેની પોણા બે વર્ષની દીકરી સાથે મિલાવી, પારિવારિક કલેશનો અંત લાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મકાન બનાવવા જેવી બાબતે સર્જાયો હતો કલેશ
સુરેન્દ્રનગર જિલ્લાની પીડિત મહિલાના લગ્નને ત્રણ વર્ષ થયા હતા અને તેમનું દામ્પત્ય જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું. પરંતુ સંયુક્ત પરિવારમાં મકાન બનાવવા જેવી બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે વારાફરતી મકાન બનાવવાના નિર્ણયને લઈ થયેલા ઝઘડા બાદ, પીડિત મહિલા છેલ્લા દોઢ મહિનાથી રિસાઈને પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી. આ વિવાદ દરમિયાન પિતાએ પોણા બે વર્ષની માસૂમ બાળકીને પોતાની પાસે રાખી લીધી હતી અને માતાને સોંપવાનો ઇનકાર કર્યો હતો.
અભયમની ટીમનું કુશળ કાઉન્સેલિંગ
પોતાની વહાલસોયી દીકરી વગર વ્યાકુળ બનેલી માતાએ આખરે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ અભયમની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જોયું કે સ્થિતિ તણાવપૂર્ણ હતી, પરંતુ કુશળ કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા. અભયમ ટીમે પીડિતાના પતિ અને પરિવારના વડીલોની હાજરીમાં કાયદાકીય સમજ પૂરી પાડી હતી. કાઉન્સેલિંગ દરમિયાન પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને અહેસાસ થયો હતો કે માસૂમ બાળકીને માતાની મમતાની કેટલી જરૂર છે.
પરિવારમાં ફરી પ્રસરી ખુશી
અંતે, પતિએ સ્વેચ્છાએ દીકરી પત્નીને સોંપી હતી અને અધૂરું રહેલું મકાનનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. અભયમ ટીમના પ્રયાસોથી બંને પક્ષો વચ્ચે ગેરસમજ દૂર થઈ છે. હાલમાં પીડિતા તેની દીકરી સાથે પિયર ગઈ છે, જ્યાંથી તેના પતિ અને વડીલો સન્માનપૂર્વક તેને સાસરે પરત લઈ જશે. આમ, એક માસૂમ બાળકીને માતાની હૂંફ અને એક પત્નીને તેનું ઘર પરત અપાવવામાં ૧૮૧ ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાત સરકારની આ હેલ્પલાઇન સાચા અર્થમાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જો આપની આસપાસ પણ કોઈ મહિલા પારિવારિક વિવાદ કે માનસિક ત્રાસનો ભોગ બનતી હોય, તો નિઃસંકોચ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.

