લોકલ ડેસ્કઃ દેશના કુલ મીઠા ઉત્પાદનના 70 ટકા જેટલું મીઠું પકવતા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી એમ.ઓ.પી ખાતર બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે. કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટીલાઈઝર લી.દ્વારા અહીં કરોડો રૂપિયાના ખર્ચે યુનિટ સ્થાપવામાં આવનાર છે.
દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાનાં યુનિટની સ્થાપના થવાની છે. ભારત સરકારના નેશનલ ફર્ટીલાઈઝર લીમીટેડના ડાયરેકટર કોહલી અને એન્જિનિયરોની ટીમે તાજેતરમાં ખારાઘોડા રણની મુલાકાત લીધી હતી અને રણમાં જમીનમાંથી નીકળતા ડીગ્રી વાળા પાણીમાંથી બનતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશ ઉત્પન્ન કરી તેમાંથી એમ.ઓ.પી. ખાતર બનાવવાની શકયતા તપાસતા સફળતા મળી હતી આથી નેશનલ ફર્ટીલાઈઝર લીમીટેડ દ્વારા અહીં કરોડોના ખર્ચે એમ.ઓ.પી. ખાતર યુનિટ શરૂ કરવામાં આવશે.
પ્રારંભીક ધોરણે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને ખારાઘોડા રણમાં 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે. નેશનલ ફર્ટીલાઈઝર લી.ના મેનેજર કે.એસ. દહીયાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં માત્ર ખારાઘોડારણમાં મીઠાના વેસ્ટેજ પાણીમાંથી એમ.ઓ.પી. ખાતર બનાવવાની શકયતા ઉજળી છે.
ખારાઘોડા સોલ્ટ એસો.ના પુર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, ખારાઘોડા રણમાં ભાવનગર સોલ્ટ રીસર્ચ ઈસ્ટીટયુટ દ્વારા મીઠાના બે પાટામાં મીકસ સોલ્ટમાંથી પોટાશ જુદા પાડવાની પ્રારંભીક પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટટ્યુટના ચીફ સાયન્ટીસ્ટ એમ.આર.ગાંધીએ જણાવ્યુ કે, હાલમાં તો પ્રારંભીક ધોરણે ૫૦ ટનનો ઓર્ડર મળ્યો છે.