Surat: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો સૌરાષ્ટ્રવાસી યુવાન કમલેશ હીરપરા ભારતના ચારધામ અને 12 જ્યોતિર્લિંગના પગપાળા દર્શન કરવા અમદાવાદમાં શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામીના ચરણ સ્પર્શ કરીને 35 દિવસ અગાઉ નીકળ્યો છે તે યાત્રા પૂર્ણ કરવા રોજનું 50 કિમીનું અંતર કાપશે અને એક વર્ષ દરમ્યાન 12 હજાર કિમીનો પ્રવાસ પૂર્ણ કરશે.
સનાતન ધર્મ પ્રત્યે આદરભાવ ધરાવતા કમલેશ દેવશીભાઈ હીરપરા સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દરમિયાન ગત 16 ડીસેમ્બર 2022ના રોજ અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જઈને ત્યાં મહંત સ્વામીના આશીર્વાદ લઇ ચારધામ, બાર જ્યોતિર્લિંગ અને શક્તિપીઠના પગપાળા દર્શન કરવાનું પ્રયાણ કર્યું છે.
કમલેશ હીરપરા સતત 35 દિવસ સુધી રોજના 50 કિમી પગપાળા પ્રવાસ કરીને દ્વારકા નજીકના જ્યોતિર્લિંગ નાગેશ્વર, સોમનાથ મહાદેવ મંદિર, પરબધામ, વીરપુર, ગઢડા, સાળંગપુર થઈને ગઇ કાલે કામરેજના ગાયપગલા આશ્રમ આવી પહોચ્યો હતો.

આજે સવારે કામરેજ દાદા ભગવાન મંદિર પાછળના આશ્રમ ખાતે થોડો આરામ લીધો હતો. જ્યાં તેમની શુભેચ્છા મુલાકાતે તેમના પરિવાર, સબંધીઓ અને મિત્રવર્તુળ ગયા હતા. ચારધામ અને બાર જ્યોતીલીગના દર્શન કરવા એક વર્ષના પગપાળા પ્રવાસ ખેડવા નીકળેલો કમલેશ હીરપરા અનેક રાજ્યમાં પસાર થઈને કુલ 12 હજાર કિમીનું અંતર કાપશે.

કમલેશ હીરપરા સાથે એક નાનો ટેમ્પો તેમજ બે ત્રણ મિત્રો સબંધી રહે છે. રસ્તામાં ભોજન કે રહેવાની સારી સગવડ મળી રહે છે. એક વર્ષ સુધી ચાલનારા ધાર્મિક પગપાળા પ્રવાસમાં કમલેશને તેના પરિવારનો પુરતો સપોર્ટ છે. તેમજ અનંત શિવ શક્તિના આશીવાદ દ્વારા આગામી 7 ડીસેમ્બર 2023 સુધી પગપાળા પ્રવાસ પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
