Uttarakhand Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોથી ભરેલી એક 'ઈનોવા' કાર અચાનક કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં ખાબક્યા બાદ નદીમાં પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારનો સગીર પુત્ર ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ચારધામની યાત્રાએ નીકળ્યો હતો પરિવાર
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલીતા ચોકડી પાસેની 'શિવાલિક રેસિડેન્સી'માં રહેતા અને વ્યવસાયે વકીલાત કરતા અશોકભાઈ પટેલ ગઈ 31 ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ચારધામની યાત્રા અર્થે નીકળ્યા હતા. આ પ્રવાસમાં સુરતથી અશોકભાઈ, તેમનાં પત્ની, બે સંતાનો અને અમદાવાદથી તેમના અન્ય સંબંધીઓ જોડાયા હતા.
ગુરુવારે તમામ શ્રદ્ધાળુઓ ઈનોવા કારમાં સવાર થઈને ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગંગોત્રી નેશનલ હાઈવે પર ડબરા નજીક કાર અનિયંત્રિત થઈને ખીણમાં થઈ ભાગીરથી નદીના તેજ પ્રવાહમાં ખાબકી હતી.
વકીલ અશોકભાઈ, પત્ની અને પુત્રીનું મોત; પુત્ર હોસ્પિટલમાં
આ અકસ્માતમાં વકીલ અશોકભાઈ પટેલ, તેમનાં ધર્મપત્ની સુધાબેન પટેલ અને તેમની પુત્રી રૂતિકા પટેલનું કરુણ મોત નીપજ્યું છે. રૂતિકા પટેલે હાલમાં જ BCA સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર વેદાંત પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂમી રહ્યો છે.
સગા-સંબંધીઓ અને પાડોશીઓમાં શોકનું મોજું
બનાવ અંગે કતારગામ સ્થિત તેમના પાડોશીએ જણાવ્યું હતું કે, "અશોકભાઈના પરિવારમાંથી 4 લોકો અહીંથી અને અમદાવાદથી 2 સંબંધીઓ જોડાયા હતા. ગંગોત્રી પહોંચ્યા ત્યારે પરિવાર સાથે છેલ્લી વાતચીત થઈ હતી."
દુર્ઘટનાના સમાચાર સુરત કતારગામ સ્થિત સોસાયટીમાં પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઉત્તરાખંડ સ્થાનિક પોલીસ, SDRF અને NDRFની ટીમો દ્વારા નદીમાં અન્ય ગુમ થયેલા મુસાફરોના રેસ્ક્યૂ ઓપરેશન અને મૃતાત્માઓની કાનૂની વિધીઓ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
