Surat News: સુરતના હજીરા નજીક આવેલા સુવાલી બીચ પર સતત ચોથા વર્ષે ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં યોજાનારા આ ત્રણ દિવસીય મહોત્સવને વધુ ભવ્ય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.70 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ બીચ ફેસ્ટીવલ માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
સુવાલી બીચ ફેસ્ટિવલ દર વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગત વર્ષે 4.65 લાખથી વધુ લોકોએ બીચ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે આયોજનને વધુ વિસ્તૃત બનાવવામાં આવતાં 5.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સુવાલી બીચના પ્રવાસન અંગે કરેલી રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા આ ફેસ્ટીવલ માટે 70 લાખની માતબર ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
125 સ્ટોલ, ફૂડકોર્ટ અને સાહસિક પ્રવૃત્તિઓનું આકર્ષણ
આગામી ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે ફૂડકોર્ટ, હસ્તકલા અને ક્રાફ્ટ સહિતના કુલ 125 સ્ટોલ ઊભા કરવામાં આવશે. સ્ટોલની ફાળવણીમાં સ્થાનિક મહિલા મંડળો અને યુવાનોને પ્રાથમિકતા આપવાનું આયોજન છે, જેથી સ્થાનિક લોકોને રોજગારી અને વ્યવસાયની તકો મળી શકે. મહોત્સવ દરમિયાન આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ ઉપરાંત ટાયર ક્લાઇમ્બિંગ, ઊંટસવારી અને ઘોડેસવારી જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. સાથે જ લોકસંગીત, ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
પ્રવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા, નવું સરકારી રેસ્ટહાઉસ પણ ખુલશે
સુવાલી બીચ પર પ્રવાસીઓની સુવિધા વધારવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. નોટિફાઇડ એરિયાની રૂ.100 લાખની ગ્રાન્ટમાંથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો આધુનિક ડિસ્ટિલેશન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં થર્મલ ટેક્નોલોજી દ્વારા દરિયાના પાણીને ગરમ કરીને વરાળમાં ફેરવવામાં આવશે અને ત્યારબાદ તેને ઠંડું કરીને મીઠું પાણી મેળવવામાં આવશે. આ કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, અંદાજે રૂ.3.60 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું ભવ્ય સરકારી રેસ્ટહાઉસ પણ ડિસેમ્બરમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાનું આયોજન છે.
સુવાલીની કાયાપલટ કરતા મુખ્ય વિકાસકાર્યો
કનેક્ટિવિટી: 6 કરોડના ખર્ચે બીચ સુધી 10 મીટરનો ડામર રોડ.
દરિયાકિનારે પ્રવેશ: સહેલાણીઓ દરિયા સુધી જઈ શકે તે માટે ખાસ 3 પાકા રેમ્પ.
વીજળી અને રોશની: આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના રૂ. 1 કરોડના CSR ખર્ચે 350 સોલાર લાઈટ્સ તથા રૂ. 40 લાખના ખર્ચે 30 મીટર ઊંચો, 16 લાઈટ્સ ધરાવતો હાઈમાસ્ટ ટાવર.
મૂળભૂત સુવિધાઓ: રૂ. 27 લાખના ખર્ચે મહિલા-પુરુષો માટે સુવિધાયુક્ત શૌચાલયો.
સુરક્ષા અને પર્યાવરણ: 10 લાખના ખર્ચે પોલીસ વોચ ટાવર, પોલીસ ચોકી, રૂ. 4 લાખના ખર્ચે વનકુટિરનું નિર્માણ.
