Suart: અન્ડર 19 વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતને ઐતિહાસિક જીત મળી હતી. આ જીતમાં મહિલા ખેલાડીઓની સાથે બેટિંગ કોચ તરીકે યોગદાન આપનાર અપૂર્વ દેસાઇનું સુરત ડિસ્ક્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(SDCA) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં સાઉથ આફ્રિકા ખાતે વિમેન્સ અન્ડર-19 વિશ્વકપમાં ભારતીય અન્ડર 19 વિમેન્સ ટીમે ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં વિજય મેળવ્યો હતો અને ચેમ્પિયનશીપ થઇ હતી. આ ટૂર્નામેન્ટમાં SDCAના ક્રિકેટ એડવાઇઝર અને સંસ્થાના સભ્ય અપૂર્વ દેસાઈએ ભારતીય ટીમ સાથે બેટિંગ કોચ તરીકે સેવા આપી હતી. વિશ્વકપ પહેલા ભારતીય ટીમે સાત મહિના સુધી તાલિમ મેળવી હતી. અપૂર્વ દેસાઇની ભારતીય ટીમમાં બેટિંગ કોચ તરીકે નિમણૂક પામ્યા હતા.
અપૂર્વ દેસાઈએ ગુજરાતનું ગૌરવ વધારવા બદલ SDCAના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ, મુકશ દલાલ, સંજય પટેલ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નવનીત પટેલ અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
અપૂર્વ દેસાઈ અંગે વાત કરવામાં આવે તો તેઓ મૂળ સુરતના છે અને તેમનો પૂત્ર આર્યા દેસાઇ પણ ગુજરાત અન્ડર-19 ટીમમાં છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અપૂર્વ દેસાઇ સુરતના રણજી પણ રમી ચૂક્યા છે. વર્ષ 2005થી ક્રિકેટમાં કોચિંગ કરતા આવ્યા છે. 17 વર્ષથી ક્રિકેટ કોચિંગ કરી રહેલા એપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ છે.