સાવધાન! ઉધના રેલવે સ્ટેશન જતા પહેલાં આ વાંચી લેજો, નહીંતર પોલીસ પકડશે કે મેમો ફાટશે! જાણો કયો રસ્તો બંધ થયો

તહેવારોમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે ભીડને નિયંત્રિત કરવા સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રોડ નંબર-0 વન-વે કરાયો છે અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. જાણી લો નવા રૂટ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 05 Nov 2026 08:51 PM (IST)Updated: Thu, 05 Nov 2026 08:51 PM (IST)
surat-udhna-railway-station-traffic-changes-for-festivals

Surat Traffic Notification: : તહેવારોની મોસમમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે વધતી જતી ભીડને ધ્યાને રાખીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સુરત શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. ઉધના રેલવે સ્ટેશન આગળ આવેલા રોડ નંબર 0 અને આજુબાજુના વિસ્તારો માટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવવામાં આવ્યા છે.

કયા રસ્તાઓ પર લાગુ થયો પ્રતિબંધ અને 'વન-વે'

આ જાહેરનામા અનુસાર ઉધના રેલવે સ્ટેશન આગળ આવેલ રોડ નંબર 0 ઉપર હોટેલ સૂર્યા (BOB સેવા કેન્દ્ર) ત્રણ રસ્તાથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે આવેલા ત્રણ રસ્તા સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે એકમાર્ગીય (One Way) રહેશે. જેથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ તરફથી હોટેલ સૂર્યા ત્રણ રસ્તા તરફ સામેથી કોઈ વાહનો જઈ શકશે નહીં.

આ ઉપરાંત નીલગીરી તરફથી આવતા વાહનો ગોલાઘંટી ગરનાળામાં થઈને ઉધના તરફ (રોડ નં-0) આવી શકશે નહીં અને આ ગોલાઘંટી ગરનાળાનો ઉપયોગ ફક્ત ઉધનાથી નીલગીરી તરફ જવા માટે જ એકમાર્ગીય રીતે કરવાનો રહેશે. તેમજ ઉધના-નીલગીરી ઓવર-બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

સ્ટેશન જવા માટે વાહનચાલકોએ લેવો પડશે આ રૂટ

સામાન્ય વાહનચાલકો અને મુસાફરો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર હોટેલ સૂર્યા ત્રણ રસ્તાથી વાહનો ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ તરફ જઈ શકશે. જો તમારે રેલવે સ્ટેશન જવું હોય અને તમે ઉધના-સચીન બાજુથી આવી રહ્યા હોવ તો રોડ નં.-3થી ઘાયલ સ્પોર્ટની દુકાન ચાર-રસ્તાથી ડાબે વળી, રાજ કી બિલ્ડીંગ પાસેના ચાર રસ્તાથી જમણી બાજુ વળીને સીધા આગળ જવાનું રહેશે. ત્યારબાદ સૂર્યા હોટલ ત્રણ-રસ્તા પોઈન્ટથી જમણી બાજુ વળીને સરળતાથી ઉધના રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે.

સ્ટેશનથી બહાર નીકળવા અને અન્ય વિસ્તારો માટે વૈકલ્પિક રસ્તાઓ

ઉધના રેલવે સ્ટેશનથી બહાર નીકળતા વાહનો સ્ટેશન આઉટ ગેટથી ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ સામેના ત્રણ-રસ્તા થઈ, ઉધના સેન્ટ્રલ રોડ પરથી ઉધના-નવસારી મેઈન રોડ તરફ જઈ શકશે. બીજી તરફ લિંબાયત તરફથી મગદુમ નગર ગરનાળા થઈ ઉધના રોડ નંબર 0 પર થઈને ઉધના-નિલગીરી બ્રિજ તરફ જતા તમામ વાહનોએ હોટલ સૂર્યા ત્રણ રસ્તા પોઈન્ટથી જમણી બાજુ વળી, આગળ રાજ કી બિલ્ડીંગ પાસેના ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને આગળ વધવાનું રહેશે. તેમજ નીલગીરી સર્કલ તરફથી ગોલાઘંટી ગરનાળા થઈ ઉધના તરફ આવવા માગતા વાહનો ઉધના રેલ્વે સ્ટેશન ઓવર બ્રિજ ઉપરથી ઉધના તરફ આવી શકશે.

ભારે વાહનો માટે ડાયવર્ઝન અને અગત્યની નોંધ

તમામ પ્રકારના ભારે વાહનો માટે પણ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ વાહનોએ ઉધના-નવાગામ બ્રિજ થઈને ડીંડોલી સાંઈ-પોઈન્ટ અને ત્યાંથી ડીંડોલી-ગોડાદરા બ્રિજ પરથી લિંબાયત તરફ જવાનું રહેશે.

આ જાહેરનામામાંથી ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સુરત મહાનગરપાલિકા (SMC) તથા અન્ય સરકારી આવશ્યક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ ટ્રાફિક હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.