Surat Traffic Police Action: સુરત શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે કર્કશ અવાજવાળા એર હોર્ન વગાડતી ખાનગી લક્ઝરી બસોના ચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાં સૂતેલા નાના બાળકો ચમકીને જાગી જતા હોવાની અને સ્થાનિક રહીશોની ઊંઘમાં ખલેલ પડતી હોવાની ફરિયાદોને પગલે પોલીસે વિશેષ ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન નિયમ વિરુદ્ધ એર હોર્ન લગાવેલી 40 બસો સામે કાર્યવાહી કરીને હોર્ન દૂર કરાવવાની સાથે કુલ 40,000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી
મળતી વિગતો મુજબ, સૌરાષ્ટ્ર તરફથી સુરત આવતી કેટલીક ખાનગી લક્ઝરી બસોના ચાલકો રાત્રિના સમયે અને વહેલી સવારે મોટા અવાજે એર હોર્ન વગાડતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ અવાજથી રહેણાક વિસ્તારોમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હતી. ખાસ કરીને ઘરમાં સૂતેલાં નાનાં બાળકો પણ અચાનક જાગી જતાં હોવાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લક્ઝરી બસોમાંથી હોર્ન દૂર કરાયા
શુક્રવારે મધરાતથી શનિવારે વહેલી સવાર સુધી ચાલેલી વિશેષ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસના રીજિયન-1 અને રીજિયન-2ના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે કતારગામ, શ્યામધામ સર્કલ, કુબેરનગર ચોકડી, વડવાળા સર્કલ અને નીલગીરી સર્કલ સહિતના સ્થળોએથી પસાર થતી લક્ઝરી બસોને રોકીને હોર્નની તપાસ કરી હતી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને લગાવવામાં આવેલા એર હોર્ન મળી આવતાં પોલીસ દ્વારા સ્થળ પર જ તેને દૂર કરાવી જપ્ત કરવામાં આવ્યા હતા.
કયા વિસ્તારમાં કેટલી બસો સામે કાર્યવાહી
- કતારગામ: 20 બસ
- કતારગામ કુબેરનગર: 8 બસ
- સરથાણા શ્યામધામ સર્કલ: 7 બસ
- લિંબાયત નીલગીરી સર્કલ: 4 બસ
- વરાછા વડવાળા સર્કલ: 1 બસ
આમ, પાંચ સ્થળોએ મળીને કુલ 40 લક્ઝરી બસો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તમામ બસોમાંથી નિયમ વિરુદ્ધ લગાવેલા એર હોર્ન દૂર કરાવ્યા હતા અને કુલ ₹40,000ના દંડની કાર્યવાહી કરી હતી.
