સુરતમાં ચંદી પડવા તહેવારને લઈને SMCનો સપાટો: ઘારી ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં ફુડ સેફ્ટી વિભાગના દરોડા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચંદી પડવા તહેવારને ધ્યાનમાં રાખીને ઘારી ઉત્પાદકો અને વેપારીઓ પર દરોડા પાડ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 02:16 PM (IST)Updated: Fri, 23 Oct 2026 02:16 PM (IST)
surat-smc-food-safety-raids-ghari-units-ahead-of-chandi-padwa

Surat SMC Food Safety Raid: સુરતમાં આગામી ચંદી પડવાના તહેવારને લઈને લોકો મોટા પ્રમાણમાં ઘારી આરોગતા હોય છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ-અલગ 10 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગે 10 ટીમો બનાવી

મનપાની ટીમ દ્વારા શહેરભરમાં ઘારીનું વેચાણ અને ઉત્પાદન કરતાં એકમો પર સઘન તપાસ કરીને નમૂના લેવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. તેને ધ્યાને લઈને ફૂડ સેફટી ઓફિસરો દ્વારા 10 જેટલી ટીમો બનાવીને વિવિધ ઝોનમાં જ્યાં ઘારીનું વેચાણ અને બનાવવાની કામગીરી થતી હોય ત્યાં સઘન તપાસ કરીને નમૂના લેવામાં આવી રહ્યા છે.

લેબ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે

આ નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ સામે આવશે. તો ફૂડ સેફટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, તહેવારને અનુલક્ષીને ગતરોજ પણ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દૂધના માવાના નમૂના લેવામાં આવ્યા અને આજે ઘારીના નમૂના લેવાની કાર્યવાહી યથાવત્ત રખાઈ છે.