પાટીદાર સમાજમાં લગ્ન માટે યોગ્ય પાત્ર મળવા મુશ્કેલ: સુરતમાં શરૂ થયું નિઃશુલ્ક 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર'

વિદેશ ભણવાની ઘેલછા અને કારકિર્દીના કારણે દીકરીઓ અને યુવાનોના લગ્નમાં વિલંબ થતાં સુરતમાં કાનજી ભાલાળાએ ચિંતા વ્યક્ત કરી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે કંકાવટી વેવિશાળ કેન્દ્ર શરૂ કર્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 08:05 AM (IST)Updated: Thu, 05 Nov 2026 08:05 AM (IST)
surat-saurashtra-patel-seva-samaj-kankavati-vevishal-kendra-kanji-bhalala-marriage-age-news

Patidar Samaj Marriage Issue: વર્તમાન સમયમાં યુવાનો અને યુવતીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મળવું ખૂબ જ અઘરું બની ગયું છે. જેના લીધે ગુજરાતના પાટીદાર સહિત અન્ય સમાજોની દીકરા દીકરીઓના લગ્નને લઇને પરિવારોમાં ખૂબ જ ચિંતા વધી ગઈ છે .ત્યારે પાટીદાર સમાજમાં આ ગંભીર સમસ્યાને લઈને સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ આ સામાજિક સમસ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે, વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી બનાવવાની ઘેલછામાં સમાજના દીકરા અને દીકરીઓની ઉમર વધી જાય છે. અને જેના લીધે લગ્ન માટે યોગ્ય પાત્ર મળવો ખૂબ જ મુશ્કેલ બને છે. અંતે જીવનસાથી મેળવવામાં બાંધછોડ કરવી પડે છે.

કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્રનો શુભારંભ

આ સામાજિક પ્રશ્નના કાયમી નિવારણ માટે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણપણે નિ:શુલ્ક ઓનલાઇન પ્લેટફોર્મ છે. જ્યાં દેશ-વિદેશમાં વસતા સમાજના યુવક અને યુવતીઓ પોતપોતાના બાયોડેટા નોંધાવી શકે છે. અંહીં 15થી વધારે નિવૃત્ત અધિકારીઓની અનુભવી ટીમ દ્વારા લગ્ન માટે આવેલા બાયોડેટાનું ક્રોસ ચેકિંગ અને વાલીઓ તેમજ યુવાનોનું સઘન કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

પ્રથમ અઠવાડિયે જ 700 ફોર્મ ભરાયા

કેન્દ્રની શરૂઆતના પ્રથમ આઠ દિવસ દરમિયાન જ કુલ 700 ફોર્મ પ્રાપ્ત થયા છે. જોકે આમાં એક અસમતુલા સામે આવી છે, જેમાં 500 ફોર્મ યુવકોના છે જ્યારે યુવતીઓના માત્ર 200 ફોર્મ જ નોંધાયા છે. કાનજીભાઈએ સમાજના વાલીઓને અપીલ કરી છે કે, વાલીઓ દીકરાના સંબંધ માટે ઉત્સાહથી ફોર્મ ભરે છે પરંતુ દીકરીઓની વિગતો આપતાં અચકાય છે. સમાજે આ માનસિકતા બદલીને યોગ્ય સમયે કન્યાઓના પણ ફોર્મ ભરાવવા જોઈએ જેથી વધુ અને શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે.

વિદેશ અને કારકિર્દીના કારણે લગ્નમાં વિલંબ

કાનજી ભાલાળાએ આ વિલંબ પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આર્થિક રીતે પગભર થવું આવકાર્ય છે, પરંતુ 'પગભર થયા પછી જ મેરેજ કરીશું' તેવી વિચારસરણીને લીધે લગ્નની યોગ્ય વય વીતી જાય છે. આ ઉપરાંત દીકરીઓમાં વિદેશ ભણવા જવાની ઘેલછાને કારણે 5 થી 7 વર્ષનો સમય વિતી જાય છે. ઉંમર અને શિક્ષણ બંને વધી જતાં તેમની ઉચ્ચ લાયકાત મુજબના યુવકો મળવા મુશ્કેલ બને છે. યોગ્ય સમયે યોગ્ય પાત્ર ન મળવાને લીધે સમાજમાં દીકરા-દીકરીઓ ભાગીને લગ્ન કરે તેવી સમસ્યાઓ પણ વધતી જોવા મળે છે.