Surat Restaurant Raid: સુરત: શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા (SMC)નું તંત્ર હવે હરકતમાં આવ્યું છે. મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ખાધ પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં વ્યાપક સ્તરે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ગેરરીતિઓ પકડાતા તંત્રએ કડક પગલાં લીધા છે.
સઘન ઝુંબેશ: તમામ ઝોનમાં સંયુક્ત ટીમો દ્વારા રેડ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારીઓ, સેનિટેશન સ્ટાફ અને ફૂડ સેફટી ઓફિસરોની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક તપાસ હાથ ધરીને ખાણીપીણીની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.
કઈ-કઈ બાબતોનું થયું ચેકિંગ?
સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓ: પરિસરમાં હાઇજીન, કિચનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પીવાના પાણીની ગુણવત્તા.
રો-મટીરિયલ અને કર્મચારીઓ: વાપરવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, કામ કરતા કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા અને તેમના ફિટનેસ સર્ટિફિકેટ.
નિકાલની વ્યવસ્થા: રેસ્ટોરન્ટમાંથી નીકળતો કચરો અને ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેનું નિરીક્ષણ.
સીસીટીવી કેમેરાની અનિવાર્યતા: કિચન પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ ગ્રાહકો બેસતા હોય તે જગ્યાએ (ડાઇનિંગ એરિયામાં) જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.
અખાદ્ય જથ્થો નાશ કરાયો અને દંડ વસૂલાયો
- કુલ તપાસાયેલી સંસ્થાઓ: 89
- નોટીસ અપાયેલ રેસ્ટોરન્ટ: 41
- લેવાયેલા શંકાસ્પદ નમૂના: 34
- અખાદ્ય જથ્થો: 15.20 કિલોગ્રામ (જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.)
વહીવટી દંડ/ખર્ચ: રૂ. 1,00,900 વસૂલવામાં આવ્યા હતા.
મનપાના આ સપાટો બોલાવતા અભિયાનથી શહેરી ખાણીપીણીના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે, અને તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
