સુરતમાં રાંદેર પોલીસે શાતિર ચોરને ઝડપી પાડયો, રુ. 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જાણો મોડેસ ઓપરેન્ડી

સુરતના રાંદેરમાં બુટ કે આસપાસ છુપાવેલી ઘરની ચાવી શોધીને ચોરી કરતો શાતિર ચોર ઝડપાયો. 7 ઘરફોડ અને 1 વાહન ચોરી સહિત 8 ગુનાનો ભેદ ઉકેલાયો, રૂ. 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 03:19 PM (IST)Updated: Wed, 04 Nov 2026 03:19 PM (IST)
surat-rander-police-thief-hidden-house-keys-shoe-theft-8-cases-3-55-lakh-recovery

Surat Crime News: જો તમે પણ ઘરને તાળું મારીને ચાવી ઘર બહાર બુટમાં કે આસપાસ છુપાવતા હોય તો સાવચેત થઇ જજો. કેમ કે, સુરતમાં રાંદેર પોલીસે એવા શાતિર ચોરને ઝડપી પાડ્યો છે. જે બંધ મકાનને ટાર્ગેટ કરીને લોક કરેલા મકાનની ચાવી બુટમાં કે આસપાસ છુપાવી હોય તેને શોધીને ઘરમાં પ્રવેશી ચોરી કરતો હતો. પોલીસ તપાસમાં 7 ઘરફોડ ચોરી અને 1 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

3.55 લાખનો મુદ્દામાલ કબ્જે

મળતી માહિતી મુજબ, સુરતમાં રાંદેર પોલીસની ટીમે મોપેડ સાથે આરોપી આફતાબખાન ઉર્ફે બચકાંડો કાસીમખાન પઠાણ (ઉ.27) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોપેડ, સોનાની ચેઈન, વીંટી, કાનની બુટ્ટી, સોનાનો સેટ, પેન્ડલ અને મંગળસૂત્ર અને રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ 3.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પુછપરછમાં થયો ખુલાસો

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી ચોરીની મોપેડ સાથે દિવસ દરમ્યાન અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનોની રેકી કરી. પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી અથવા તો બંધ મકાનમાં કે લોક કરેલા મકાનની ચાવી ઘર બહાર શુઝમાં કે આસપાસ છુપાયેલી હોય. તો તે ચાવી શોધી મકાનનું લોક ખોલી ઘરમાં પ્રવેશ કરતો હતો. બાદમાં ઘરમાં કબાટ ખોલી રોકડા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ઘરને લોક કરી દેતો અને ચાવી જે તે જગ્યાએ મૂકી ભાગી જતો હતો.

8 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો

આરોપી મોબાઈલ ફોન ધરાવતો નથી અને ભટકતું જીવન જીવે છે. પોલીસ તપાસમાં રાંદેર, અઠવાલાઈન્સ, અમરોલી, અંકલેશ્વર અને વ્યારા પોલીસ સ્ટેશન મળી કુલ 8 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો તેમજ આરોપી સામે અગાઉ 13 ગુના નોંધાયેલ છે. હાલ રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.