Surat News: સુરતના નાનપુરા વિસ્તારમાં પુત્રએ જ ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના પરિણામે ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડે આપેલી દુકાનમાં 12 લાખ અને મકાનના સ્ટ્રકચરને 6 લાખ મળી કુલ 18 લાખનું નુકશાન થયું હતું. આ મામલે પિતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્રની ધરપકડ કરી છે. પુત્ર અવાર નવાર ભાડે આપેલી જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા માટે આપી દેવા માટે ઝઘડો પણ કરતો હતો.
મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા ગોવર્ધનવાડ વિસ્તારમાં રહેતા ઉમેશ બાબુભાઈ પટેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પોતાના પુત્ર સામે જ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની વડીલોપાર્જિત મિકલતના ગ્રાઉન્ડ ફલોરની જગ્યા વર્ષોથી ભાડે આપેલી છે. આ જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા આપી દેવાની માંગણી કરી તેમનો પુત્ર સની પટેલ અવારનવાર કંકાસ અને ઝઘડા કર્યા કરતો હતો. ભાડે આપેલી જગ્યા નહીં આપો તો સળગાવી નાંખવાની ધમકીઓ પણ આપતો રહેતો હતો.
ગત શનિવારે મળસ્કે ત્રણેક વાગ્યે સનીએ ઘરમાં ફરી ઝઘડો કર્યો અને ઝગડા બાદ સની બહાર જતો રહ્યો હતો. થોડા સમય બાદ એ ફરી પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ લઇ પરત આવ્યો હતો. તેણે ભાડે આપેલી મિલકતની બારીમાંથી પેટ્રોલ છાંટી અહીં આગ ચાંપી દીધી હતી. મળસ્કે અંધારામાં કોઈને ખ્યાલ આવે એ પહેલા તો એ તેની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી નાસી ગયો હતો. આગ પ્રસરતા આસપાસના રહીશો એકઠાં થયા હતા.
આગના કારણે લોકોએ ફાયરબ્રિગેડ, પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયરબ્રિગેડના લાશ્કરો આગને કાબૂમાં લે એ પૂર્વે જો કે આ આગમાં ભાડુઆત વિશાલ પટેલની દુકાનમાં ભારે નુકસાન થઈ ચુક્યું હતું. આગને કારણે દુકાનમાં મૂકેલા લેસર મશીન, રેડીયમ કટિંગ મશીન, ત્રણ કોમ્પ્યૂટર પ્રિન્ટિંગ સહિતનો સરસામાન બળી ગયો હતો. મકાનના સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હતું. શનિના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આગમાં ભાડુઆતને લગભગ રૂ. 12 લાખનું અને મકાનના સ્ટ્રક્ચરને રૂ. 6 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ મામલે અઠવા પોલીસે પુત્રની શની પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
