Surat News: સ્કૂલવર્ધી વાહનોની હડતાળથી વાલીઓની હાલત કફોડી, બાળકોને વરસાદી માહોલમાં સ્કૂલે મૂકવા જવા પડ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Jun 2024 03:02 PM (IST)Updated: Tue, 18 Jun 2024 03:02 PM (IST)
surat-news-condition-of-parents-worsened-due-to-the-strike-of-school-transport-vehicles

Surat News: શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયું છે એવામાં ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કેટલીક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મુદ્દે રાજ્યભરમાં સ્કૂલ વાહનના એસોસિએશને આજથી હડતાળ શરૂ કરી છે. સુરતમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા હતા. સુરતમાં વાલીઓએ કહ્યું કે સવારે 5 વાગ્યે ઉઠીને શાળાએ બાળકોને મુકવા આવ્યા છીએ, ખુબ જ તકલીફ પડી રહી છે.

મહેન્દ્રભાઈ રેવાવાલાએ જણાવ્યું હતું કે અમારી હડતાળ નથી પણ અમે સ્વેચ્છિક રીતે બંધ પાળ્યું છે. બંધ પાળવાનું કારણ છે કે પોલીસ અને આરટીઓ જે રીતે અમને વધારે પડતા હેરાન કરે છે. અને હેરાન કરીને દંડ લેવા માંગે છે. અમે દંડ ક્યાંથી ભરીએ ? હજુ તો સ્કૂલો પણ શરુ થઇ છે. કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઇ છે. બે વર્ષ સુધી અમે જેમ તેમ અમારા ગુજરાન ચલાવ્યા છે.

એમાં પણ સરકારે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે મેનેજ કરીને ગાડીઓ મેનટેન રાખી છે. ટેક્સી-મેક્સી ગાડીઓ જ એ લોકો ટાર્ગેટ કરે છે અને એ જ ગાડીઓ પકડે છે. પ્રાઈવેટ ગાડીઓને એ લોકો દંડ પણ આપે છે, એ લોકો કહે છે કે ગાડીમાં 12 જ છોકરાને બેસાડો તો અમે 12 જ બેસાડીશું પણ બાકીના છોકરાનું બર્ડન વાલીઓ પર જશે પણ અમારે એવું નથી કરવું, અમારે એકબીજાના સહકારથી કામ કરવું છે. સુરતની અંદર અંદાજીત 20 હજારથી ઉપર વાન છે.

વાલી હસમુખભાઈએ જણાવ્યું છેકે, ખોટી રીતે હેરાન કરાયા છે. સવારે વહેલા 5 વાગ્યે ઉઠી દીકરાને મૂકવા આવ્યા છીએ. બહુ તકલિફ પડી રહી છે. અન્ય વાલી નિલેશભાઈએ કહ્યું છેકે, છોકરાને સ્કૂલે મૂકવા આવવામાં બહુ પરેશાન થયા છે. વરસાદ પણ પડે છે. છોકરાને મૂકીને હવે નીકળું છું.