Surat News: સુરતમાં 108ની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 108ની ટીમે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલિવરી કરાવી હતી. ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવાતી હતી, ત્યારે બાળકનું માથું બહાર આવી ગયું હતું. આટલું જ નહીં, બાળકના ગળાના ભાગે અંબેલિકલ કોર્ડ ફસાઈ ગયેલો હતો. જો કે 108ના કર્મચારીઓએ ગળામાં ફસાયેલ કોર્ડને ત્યાંથી જ કાપીને બાળકની સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી હતી.
આ અંગે વિગતો આપતા 108ના અધિકારી પરાગભાઈ હડિયાએ જણાવ્યું કે, આજે U.H.C. VADOD લોકેશનને સાંજના 5:11 વાગ્યે ડિલિવરી ના કેસ માટે નો કોલ આવ્યો હતો. જેમાં વડોદ ગામ ખાતે રહેતા કંસ્ટ્રકશનનું કામ કરતા શ્રમજીવી કિરણબેન નંગરસિંઘ ભીલ (ઉ.29) ને ત્રીજી ડિલિવરી અને 9 માસનો ગર્ભ હોવાનું જણાવાયું હતુ. જેમને પ્રસુતિની પીડા ઉપાડતા હોસ્પિટલ લઇ જવાના છે.
આથી 108ની ટીમ ત્યાં પહોચી હતી અને દર્દીને એમ્બ્યુલન્સ લઈને હિસ્ટ્રી પૂછતા તાત્કાલિક ડિલિવરી થઈ જાય તેવા કોઈ ચિન્હ જણાતા ન હતા. જો કે એમ્બ્યુલન્સ લગભગ 500 મીટર દૂર ગઈ હશે, ત્યાં અચાનક જ મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપાડ્યો હતો. જેમાં 108ના કર્મચારીએ તપાસ કરતા બાળકનું માથું બહાર આવી ગયું હતું અને બાળકના ગળાના ભાગે અંબેલિકલ કોર્ડ [નાળ] ફસાઈ ગયેલો હતો, જે ખૂબ પ્રયત્ન કરવા છતાં નીકળતો ન હતો. જો માતા બાળકને બહાર પુશ કરે, તો બાળકને ગળે ટૂંપો આવતો હતો. જેથી બાળકને જીવ જોખમમાં મૂકાઈ શકે તેમ હતા.
આથી એકક્ષણનો પણ વિચાર કર્યા વગર 108ના EMT જતિન સોલંકીએ ગળામાં ફસાયેલ કોર્ડને ત્યાંથી જ કાપીને બાળકને સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી હતી. જ્યારે ERCP મહેતા મેડમના માર્ગદર્શનમાં બાળકને કેર આપી ને ન્યુ સિવિલ હોસ્પિટલ,સુરત ખાતે શિફ્ટ કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે પરિવાર માં ત્રીજી વાર પણ પુત્ર નો જન્મ થતાં માતાપિતા બન્ને ખુશ થયા હતા અને 108 ની સેવાનાં વખાણ કર્યા હતા અને 108 ના EMT જતીનભાઈ અને પાઈલોટ યોગેશભાઈ તેરૈયાનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં 108ની સરાહનીય કામગીરી સતત સામે આવી રહી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે 108ની ટીમ દેવદૂત સમાન સાબિત થઇ રહી છે. 108ની ટીમ દ્વારા અગાઉ રિક્ષા, એમ્બુલન્સ,શૌચાલયમાં સફળ ડિલિવરી કરાવી છે, ત્યારે વધુ એક વખત 108ની ટીમે બાળકનો જીવ બચાવી સફળ ડિલિવરી કરી હતી.