Surat News: સુરત શહેરમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ઇચ્છાપોર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી છે. ઇચ્છાપોરના મોરા ગામમાં મોટા વાડા ભટલાઈ રોડ પર આવેલી ગણેશ ફાર્મસીમાં દરોડો પાડી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ માટે રાખવામાં આવેલી 560 નશાકારક ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
ઈચ્છાપોર પોલીસ દ્વારા કાર્યવાહી
શહેરમાં નશાકારક પદાર્થો અને દવાઓના ગેરકાયદે વેચાણને અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના કેટલાક મેડિકલ સ્ટોરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અને સિરપનું વેચાણ થતું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આવા મેડિકલ સ્ટોર સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન ઈચ્છાપોર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
મેડિકલ સ્ટોરમાંથી 560 ટેબ્લેટ જપ્ત
પોલીસને તપાસ દરમ્યાન મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી ગણેશ ફાર્મસીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જે બાદ ઇચ્છાપોર પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર જીલબેન ગામીત અને પિનલબેન વાવૈયાને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. મેડીકલ સ્ટોર પરથી કુલ 4500 રૂપિયાની કિમતની 560 નંગ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી હતી.
નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં
હાલમાં મળી આવેલા દવાના જથ્થા અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર વેચાણ કે નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવશે તો મેડિકલ સ્ટોરના લાઇસન્સ ધારક અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
