સુરત: 12.95 લાખના એમડી ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે બે આરોપીઓને 15 વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યો

સુરત NDPS કોર્ટે ₹12.95 લાખના MD ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને 15 વર્ષની સખ્ત કેદ અને ₹1.50 લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસે 129.58 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરી સુફિયાન અને મો. રિઝવાનને ઝડપ્યા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 01:20 AM (IST)Updated: Wed, 07 Oct 2026 01:20 AM (IST)
surat-md-drugs-case-two-get-15-years-rigorous-imprisonment

Surat Drugs Case: શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર સામે સુરત પોલીસે કડક કાર્યવાહી જારી રાખી છે. વર્ષ 2025માં સુરત SOG પોલીસે પકડેલા અંદાજે 13 લાખ રૂપિયાના એમડી (MD) ડ્રગ્સ કેસમાં વિશેષ NDPS કોર્ટે મોટો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના બંને દોષિતોને 15 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સુરત SOG પોલીસની ટીમે 18 મે 2025ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પરથી સુફિયાન ઉર્ફે શીબુ હુસૈન શેખ (ઉ.26)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી 12,95,800 રૂપિયાની કિંમતનું કુલ 129.58 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસની ઊંડાણપૂર્વક થયેલી પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે આ ડ્રગ્સ મો. રીઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલકાદર બોમ્બેવાલા દ્વારા મંગાવવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે બીજા આરોપીને પણ ઝડપી લીધો હતો અને બંને સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની વૈજ્ઞાનિક તપાસ અને મજબૂત પુરાવા

આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરીને તમામ સાંયોગિક, ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કર્યા હતા. નિર્ધારિત સમયમર્યાદામાં સચોટ પુરાવાઓ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી મજબૂત દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને નામદાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે બંને આરોપીઓને 15 વર્ષની સખ્ત કેદ અને 1.50 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.

પોલીસ પ્રશાસનની કડક ચેતવણી

આ ચુકાદા બાદ સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ડ્રગ્સનું વેચાણ કરવું કે તેમાં વચેટિયા/પેડલર બનવું એ ખૂબ જ ગંભીર અપરાધ છે, જેમાં 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આવા કેસોમાં જામીન પણ સરળતાથી મળતા નથી.

તેમણે ઉમેર્યું હતું કે જો કોર્ટ દોઢ વર્ષની ટૂંકી અંદર જ 15 વર્ષની કડક સજા સંભળાવતી હોય, તો નફાની લાલચમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોએ ચેતી જવું જોઈએ. પોલીસ અને ન્યાયતંત્ર આ બાબતે અત્યંત સખત છે, જેથી નાણાકીય લાલચમાં આવીને પોતાનું ભવિષ્ય બગાડવા જેવું જોખમ ન ખેડવું જોઈએ.