Surat Traffic Jams News: સુરતના રેલ્વે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યાની અનેક ફરિયાદો મળી હતી. જેને લઈને ખુદ મેયરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને રેલ્વે સ્ટેશન(railway station) પરથી લારી ગલ્લાનું દબાણ પણ દુર કરવામાં આવ્યું હતું.
સુરતના રેલ્વે સ્ટેશન પાસે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હતી. આધેધડ રીક્ષા, ટેક્સી પાર્કિંગ તેમજ લારી ગલ્લાના દબાણને લઈને અહી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી. જેને લઈને ખુદ મેયર હેમાલીબેન બોઘવાલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. મેયરની સાથે ટ્રાફિક પોલીસ, દબાણખાતું, અને રેલ્વે સ્ટેશનના વ્હીવીટી અધકારીઓ સાથે મળીને અહીંથી દબાણ દુર કરવામાં આવ્યું હતું તેમજ રીક્ષા ચાલકોને ટ્રાફિકને નડતર રૂપ રીક્ષાઓ પાર્ક નહિ કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રેલ્વે સ્ટેશન ફરતે દરરોજ લારીઓ, પાથરણાં, કેબિનો અને રિક્ષાવાળાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતી હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી. જેથી બુધવારે પણ પાલિકા દ્વારા દબાણ હટાવોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ અને એકઝીટ ગેટ પર તથા સર્કલથી આજુબાજુની જગ્યાઓમાંથી પાલિકા દ્વારા દબાણ ઊંચકવા આવ્યું હતું.
આ ઉપરાંત સર્કલની ફરતે રિક્ષાચાલકો દ્વારા થતું દબાણ પોલીસ દ્વારા હટાવવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેલ્વે સ્ટેશન વિસ્તારોમાંથી કુલ 9 લારી, 1 કાઉન્ટર, 33 નંગ પરચુરણ સામાન અને પાથરણાં રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રાફિકની અનેક ફરિયાદો મળી રહી હતી ઘણી વખત આ ટ્રાફિકની સમસ્યાને લઈને મુસાફરો ટ્રેન પણ ચુકી જતા હતા ત્યારે અહી ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
