સુરત: કોસમાડામાં રુ. 125 કરોડના ખર્ચે બનશે ભવ્ય ઇસ્કોન મંદિર, CM ભૂપેન્દ્ર પટેલે કર્યો શિલાન્યાસ

સુરતના કોસમાડા ખાતે રૂ. 125 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ‘ઇસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 02:34 PM (IST)Updated: Sun, 25 Oct 2026 02:34 PM (IST)
surat-kosmada-125-crore-iskon-temple-bhumi-pujan-cm-bhupendra-patel-varachha-isckon

CM Bhupendra Patel Surat Visit: સુરતના કોસમાડા ખાતે રૂ. 125 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ‘ઇસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાઓનો સત્કાર સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીએ સુરતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવા ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું હતું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી હતી.

કોસમાડામાં ભવ્ય ઈસ્કોન મંદિર બનશે

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને ક્યારેય વિસરવી ન જોઈએ. દેશની આસ્થાના અદ્વિતીય કેન્દ્ર સમાન રામ મંદિરના નિર્માણથી લઈને આપણા ધાર્મિક વારસાને જીવંત રાખવાનું કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

ભગવદ ગીતા આપણને જીવનની સાચી રાહ ચીંધે છે- CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવદ કાર્યમાં યોગદાન આપવા અને તેમાં નિમિત્ત બનવાનો અવસર મળવો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે, અને આવા આયોજનો સમાજમાં દિવ્યતા અને સદ્દભાવના પ્રેરિત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્ત્વ પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણા રોજબરોજના વ્યવહારિક જીવનની મૂંઝવણો અને પડકારો વચ્ચે ભગવદ્ ગીતાના 18 અધ્યાયો આપણને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે. પ્રથમ અધ્યાયના 'અર્જુન વિષાદ યોગ'થી લઈને અંતિમ 'મોક્ષ સંન્યાસ યોગ' સુધીના તમામ અધ્યાયો મૂંઝવણથી સમજણ તરફ, નિરાશાથી આત્મવિશ્વાસ તરફ અને નિષ્ક્રિયતાથી કર્તવ્ય તરફ લઈ જવાની પ્રેરણા આપે છે.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સાંખ્ય યોગ’ આત્મજ્ઞાન, સ્થિર બુદ્ધિ અને કર્તવ્યનું મહત્વ સમજાવે છે. ‘કર્મયોગ’ નિષ્કામ કર્મ જ સાચી સાધના હોવાનું અને ‘જ્ઞાન કર્મ સંન્યાસ યોગ’ જ્ઞાનથી કર્મ પવિત્ર બનવાનું શીખવે છે. જો ગીતાના આ શાશ્વત મૂલ્યો આપણા જીવનમાં ઉતરે તો પરિવાર મજબૂત બને, સમાજમાં સદ્દભાવના વધે અને રાષ્ટ્રના વિકાસને મજબૂત નૈતિક આધાર પ્રાપ્ત થાય છે.

સંસ્થા ભવિષ્યમાં માનવ સેવાનું સર્વોત્તમ કેન્દ્ર બનશે- CM પટેલ

ઇસ્કોન વરાછા મંદિરના શિલાન્યાસની આ શુભ શરૂઆત આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીનો સુમેળ સાધશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ સૌ સાથે મળીને ભક્તિને માત્ર પૂજા-પાઠ સુધી સીમિત ન રાખતા તેને માનવ સેવા સાથે જોડવા અને યુવાધનની શક્તિને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણના પંથે વાળવા સૌને આહ્વાન કર્યુ. આ સંસ્થા ભવિષ્યમાં આધ્યાત્મિક જ્ઞાન, યુવા સશક્તિકરણ, સાંસ્કૃતિક જાગૃતિ અને માનવ સેવાનું સર્વોત્તમ કેન્દ્ર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેજસ્વી છાત્રોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

પ્રારંભે ઇસ્કોન વરાછાના અધ્યક્ષ મૂર્તિમાનદાસજીએ સ્વાગત પ્રવચન કરી પૂ.શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી નિર્માણ પામનાર આ મંદિર આધ્યાત્મિકતા, કૃષ્ણ ભક્તિ અને આસ્થાનું દિવ્ય કેન્દ્ર બનશે એમ જણાવી મંદિર નિર્માણની રૂપરેખા આપી હતી.આ વેળાએ ઇસ્કોન મંદિરના નિર્માણમાં ઉદારમને સહયોગ આપનાર સામાજિક અગ્રણીઓ અને રાજસ્વી દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, સમગ્ર એશિયા ખંડમાં યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.