Surat Housing Scheme: સુરત શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર કરવા તરફ સુરત મહાનગરપાલિકાએ વધુ એક મોટું પગલું ભર્યું છે. મનપાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મળેલી મહત્વની બેઠકમાં શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં 5,292 ફ્લેટ અને 72 દુકાનોના નિર્માણને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી હજારો પરિવારોને આધુનિક અને સુવિધાયુક્ત આવાસ મળી રહેશે.
ઝોનવાઈઝ મંજૂર કરાયેલા આવાસ અને દુકાનોની વિગત
સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિગ્વિજયસિંહ બારડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નીચે મુજબના આવાસ અને દુકાનો બનાવવાનો નિર્ણય લેવાયો છે-
વરાછા ઝોન (એ): 1,320 આવાસ
રાંદેર ઝોન: 2,756 આવાસ અને 46 દુકાનો
ઉધના ઝોન: 704 આવાસ અને 12 દુકાનો
વરાછા ઝોન (બી - સરથાણા): 512 આવાસ અને 14 દુકાનો
ફોર્મ ભરવાની પ્રક્રિયા અને નિયમો
આ યોજનાનો લાભ લેવા માંગતા નાગરિકો માટે મનપા દ્વારા ચોક્કસ માર્ગદર્શિકા અને પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે-
પૂર્વ-સર્વેમાં ભાગ લેવો ફરજિયાત: યોજનાનો લાભ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર અથવા ઉપલબ્ધ સ્કેનર મારફતે પૂર્વ-સર્વેમાં ભાગ લેવો અનિવાર્ય છે.
યુનિક કોડ જનરેટ થશે: આ સર્વે પ્રક્રિયા પૂર્ણ થતાં જ એક ખાસ કોડ નંબર જનરેટ થશે. ભવિષ્યમાં જ્યારે આવાસ માટે સત્તાવાર જાહેરાત અને ફોર્મ બહાર પડે, ત્યારે તે ફોર્મમાં આ કોડ નંબર દર્શાવવો ફરજિયાત રહેશે. જે લાભાર્થીઓ સર્વેમાં ભાગ નહીં લે, તેઓ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે.
નાણાકીય રાહત અને ફ્લેટની કિંમત
લાભાર્થીઓ પર આર્થિક ભારણ ઘટે તે માટે મનપા દ્વારા ફી અને કિંમતમાં રાહત આપવામાં આવી છે-
ફોર્મ ભરતી વખતે ભરવાની રકમ: અગાઉ ફોર્મ ભરતી વખતે 20,000 રૂપિયા ભરવાના રહેતા હતા, જેને ઘટાડીને હવે માત્ર 7,500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
આવાસની કિંમત: આ યોજના અંતર્ગત લાભાર્થી દીઠ 1 BHK ફ્લેટ માટે રૂ. 7 લાખ અને 2 BHK ફ્લેટ માટે રૂ.9 લાખની રકમ નિયત કરવામાં આવી છે.
તંત્રની ખાસ અપીલ
સમિતિના ચેરમેને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ અને પારદર્શક પદ્ધતિથી ચાલે છે. આથી નાગરિકોએ કોઈપણ દલાલ કે ગેરમાર્ગે દોરનારા ઈસમોની વાતોમાં આવ્યા વગર કે તેમને કોઈ પણ પ્રકારના નાણાં આપ્યા વગર સાવચેત રહેવું જોઈએ. કિસ્મતથી ડ્રોમાં નંબર લાગે તે પારદર્શક પદ્ધતિના આધારે જ આવાસની ફાળવણી કરવામાં આવે છે. આ યોજના સંબંધી કોઈપણ વિશેષ માહિતી અથવા મૂંઝવણ હોય, તો નાગરિકો મનપાના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગનો સંપર્ક કરી શકે છે.
