Surat SIR Works: ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની જેમ તા.1લી જાન્યુઆરીની લાયકાતની તારીખે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ દ્વારા આખરી મતદારયાદી (ફાઈનલ રોલ) પ્રસિદ્ધ કરી હતી. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, મતદારયાદીના મુસુદ્દાની યાદી તા.19/12/2025ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હક્ક-દાવા રજુ કરવાનો સમયગાળો તા.19/12/2025 થી તા.૩0/1/2026 નક્કી કરવામાં આવ્યો હતો.
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે નાગરિકો/મતદારો તરફથી રજૂ થયેલાં હક્ક-દાવા અને વાંધા અરજીઓનો સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમાનુસાર આખરી નિર્ણય કરીને આજે સુરત જિલ્લામાં સમાવિષ્ટ તમામ 16 વિધાનસભા મતવિભાગોની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે.
SIR ના ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં જિલ્લાના 16 વિધાનસભા વિસ્તારમાં કુલ 36,23,193 મતદારો છે. જેમાં નવા 1,01,578 મતદારો નવા ઉમેરાયા છે. જયારે 85,734 મતદારો કમી થયા છે. આમ મતદારોની સંખ્યામાં નેટ 15,849 વધારો થયો છે.
જેમાં 18-19 વર્ષ વયજૂથના 21,954 યુવાઓની, જ્યારે 20-29 વર્ષ વયજૂથના 1૩,105 નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે, જ્યારે આજે આખરી પ્રસિદ્ધ મતદાર યાદીમાં 18,83,381 પુરુષ મતદારો અને 17,55,568 સ્ત્રી મતદારો તથા 9૩ ત્રીજી જાતિના મતદારો મળીને કુલ ૩6,૩9,042 મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લા ચુંટણી અધિકારીએ કહ્યું કે, મતદાર યાદીની તા.17/2/2026ના રોજ કરવામાં આવેલી આખરી પ્રસિદ્ધિ બાદ પણ તા.1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા હોય પરંતુ આખરી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા બાકી રહેલ તમામ નાગરિકો "સતત સુધારણા (Continuous Updation)" હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે.
નોંધનીય છે કે, નવા ઉમેરાયેલા મતદારોને તેમના ઓળખકાર્ડ સ્પીડ પોસ્ટ મારફત તેમના ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે. મતદાર ફોટો ધરાવનાર મતદારનું નાંમ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકાશે. જેથી મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયુ હોવાની ચકાણસી કરી સર્વે નાગરિકો/મતદારોને અનુરોધ છે. પ્રવર્તમાન યાદીમાં નામો કમી કરવા, ફોટો/વિગતોમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજી કરી શકે છે.
