Harsh Pandya Suicide Case: સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસના PG હોસ્ટેલમાં રહેતા ડો. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ખટોદરા પોલીસે અગાઉ ત્રણ સિનિયર તબીબોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આજે ડૉ. નિરાલી વસાવેની ધરપકડ કરી લીધી છે, જેની સાથે જ આ કેસમાં નામજોગ નોંધાયેલા તમામ ચાર આરોપીઓ ઝડપાઈ ગયા છે.
ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં અગાઉ ખટોદરા પોલીસે 11 ઓક્ટોબરના રોજ બે મહિલા તબીબ ડૉ. દિક્ષીતા ઘેવરીયા અને ડૉ. હિના ભૂતની તેમજ 13 ઓક્ટોબરના રોજ ડૉ. અનુજ મહેશ્વરીની ધરપકડ કરી હતી. જ્યારે ડો. નિરાલી વસાવે ફરાર હતી. દરમિયાન આજે ખટોદરા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે. આ સાથે ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં નામજોગ નોંધાયેલા તમામ ચારેય આરોપી ઝડપાઈ ગયા છે.
ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત 8 ઓગસ્ટ, 2026 ના રોજ ડો. હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો, જેનું પ્રાથમિક કારણ રેગિંગ હોવાનું સામે આવ્યું હતું. હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કારણ સામે આવ્યું હતું કે, 4 સિનિયર ડોક્ટરના રેગિંગના કારણે ડો. હર્ષ પંડ્યાએ આ પગલું ભર્યું છે, જેના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ ત્રણ આરોપી હિના, દીશીતા અને અનુજની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ચોથી આરોપી વ્યારાના વતની હતા અને તપાસમાં સહકાર આપતા ન હતા અને પોતાની હાજરી છુપાવતા હતા. તેઓ તેમના સબંધી તેમજ મહારાષ્ટ્ર સુધી છુપાયા, પરંતુ ટેક્નિકલ તપાસના આધારે તેઓને ડિટેકટ કરવામાં આવ્યા હતા. આજે તેઓ ખટોદરા પોલીસ મથકે હાજર થતા તેઓની ધરપકડ કરવામાં આવી છે, અને તેમના મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
