સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશનો પ્રારંભ : 4 ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણા

4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને દરેક વર્તમાન મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 04:07 PM (IST)Updated: Wed 05 Nov 2025 04:07 PM (IST)
surat-district-launches-special-intensive-revision-sir-of-electoral-roll-till-december-4-632864

Surat News: સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 4 ડિસેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે અને છ તબક્કામાં કામગીરી બાદ 7 ફેબ્રુઆરી 2026એ આખરી મતદાર યાદી પ્રકાશિત થશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું.

કલેક્ટરએ કહ્યું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ના વિવિધ તબક્કાઓ અનુસાર 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને દરેક વર્તમાન મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે અને ભરેલ ફોર્મ પરત મેળવશે. જો પ્રથમવાર મતદાર ન મળે તો ત્રણ વખત તે મતદારના ઘરની મુલાકાત લેશે ત્યારબાદ પરત મળેલા એન્યુમરેશન ફોર્મ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી (ERO/AERO) ને સબમિટ કરશે. ERO/AERO જેમના મત ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે તેવા તમામ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરશે.

ત્યારબાદ ત્રીજા તબક્કામાં 9 ડિસેમ્બર-2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. ચોથા તબક્કામાં જેમના નામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી જે મતદારોના નામ મતદાર યાદીમાં હોય પણ ફોર્મ ભર્યા ન હોય તેવા મતદારોને નોટિસ આપશે, આ સમયગાળામાં મતદારો સુધારા માટેનો દાવો, વાંધા અરજી કરી શકશે. પાંચમાં તબક્કામાં ERO/AERo 9 ડિસેમ્બર-2025થી 31 જાન્યુઆરી-2026 દરમ્યાન પાત્રતા ચકાસવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી આવા કેસોની સુનાવણી કરશે અને તેમના નામ અંતિમ યાદીમાં સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરશે.

વધુમાં મતદારની ERO ના નિર્ણય સામેની પ્રથમ અપીલની સુનાણી જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ તથા જિલ્લા મેજિસ્ટ્રેટના નિર્ણય સામેની બીજી અપીલની સુનાવણી મુખ્ય ચૂંટણી અધિકારીના કક્ષાએ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે છઠ્ઠા અને અંતિમ તબક્કા અંતર્ગત તા.7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એમ જણાવ્યું હતું,

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલા અથવા જરૂરિયાત અનુસાર મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે. છેલ્લી SIR પ્રક્રિયા 21 વર્ષ પહેલા વર્ષ 2002-2004માં કરવામાં આવી હતી. SIRની મુખ્ય પ્રક્રિયાઓ તેમજ SIR શા માટે જરૂરી છે તે અંગે પણ જિલ્લા વહીવટીતંત્રએ રાજકીય પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે તા.28 ઓક્ટો.થી 3 નવે. દરમિયાન તમામ બી.એલ.ઓ.ને તાલીમ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કુલ મળીને 5500 અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે, જરૂર પડ્યે ખાનગી સ્વયંસેવકોની સેવા પણ લેવામાં આવશે.

કલેકટરએ જાહેર જનતાને અનુરોધ કરતા કહ્યું કે, આગામી એક મહિના દરમિયાન તમારા ઘરે આવનાર બી.એલ.ઓ. પાસેથી પ્રત્યેક મતદાતા નાગરિકોએ એન્યુમરેશન ફોર્મ ફરજિયાતપણે ભરવું અને ફોર્મ પરત આપવું. ફોર્મ ભરીને પરત ન આપનાર મતદારનું નામ આખરી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે નહીં.