Surat Dhanteras Shopping: આજે ધનતેરસના પવિત્ર પર્વે સોના-ચાંદીની ખરીદી કરવાની માન્યતા છે, ત્યારે સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એમાં પણ સુમિતકુમાર નામનો યુવક પોતાના બાળ ગોપાલને લઈને જ્વેલર્સમાં ખરીદી કરવા આવ્યો હતો.
સુમિતકુમારે જ્વેલર્સમાં બાળ ગોપાલ માટે ચાંદીની પાયલ, વીંટી અને ચાંદીના મુગટની ખરીદી કરી હતી. આ ઉપરાંત માઁ જગદંબા માટે ચાંદીની પાયલ પણ ખરીદી હતી.
બાળ ગોપાલની દીકરા તરીકે સારસંભાળ રાખું છુંઃ સુમિતકુમાર
સુમિતકુમારે જણાવ્યું કે, અગાઉ હું પરિવાર સાથે શ્રીનાથજીના દર્શન કરવા ગયો હતો. જ્યાં મંદિરમાં કલાકો સુધી લાઈનમાં ઉભો રહ્યો, પરંતુ ભગવાનના દર્શન ના થતાં હું ગુસ્સામાં બહાર નીકળી ગયો. મેં મનમાં વિચાર્યું કે, ભગવાન મેં એવા શું પાપ કર્યા છે કે, મને તારા દર્શન પણ ના થયા. મારા પરિવારના સભ્યો દર્શન કરવા ગયા હતા, ત્યારે મારી આંખમાં પાણી આવી ગયા હતા.
આ સમયે મને ત્યાં એક દુકાનમાં આ બાળ ગોપાલ દેખાયા હતા. જેને જોઈને મને અંદરથી પિતા સ્વરૂપ લાગણી જન્મી અને તેમને હું ઘરે લઈને આવ્યો. બસ ત્યારથી હું આ બાળ ગોપાલની દીકરા તરીકે તમામ સારસંભાળ રાખું છું. જો આજે મારો દીકરો હોત, તો તેના માટે કોઈને કોઈ દાગીનાની ખરીદી કરતો જ. આ પણ મારો દીકરો જ છે, તો તેના માટે મેં ચાંદીની પાયલ અને મુગટ લીધો છે.
