Surat: સુરતના ઉદ્યોગપતિની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે જાહેરાત, જાણો વર્લ્ડ કપ જીતશે આપશે કેટલા કરોડોના ઈનામ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે સુરતના બે અગ્રણી ઉદ્યોગપતિઓએ એક અનોખી ઇનામી જાહેરાત કરી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 02 Nov 2025 03:59 PM (IST)Updated: Sun 02 Nov 2025 04:04 PM (IST)
surat-businessman-announces-crore-rupee-reward-for-indian-womens-cricket-team-if-they-win-world-cup-631093
HIGHLIGHTS
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતશે, તો ટીમના દરેક સભ્યને બે વિશેષ ભેટ આપવામાં આવશે.
  • હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને આ અંગે સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે.

Surat News: આજે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા ટકરાવાના છે, ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે સુરતના બે અગ્રણી ઉદ્યોગપતિઓએ એક અનોખી ઇનામી જાહેરાત કરી છે.

દરેક ખેલાડીને બે ભેટ

શ્રી રામ ક્રિષ્ના ડાયમંડ કંપનીના માલિક ગોવિંદ ધોળકિયા અને જયંતી નારોલાએ જાહેર કર્યું છે કે જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતશે, તો ટીમના દરેક સભ્યને બે વિશેષ ભેટ આપવામાં આવશે. જેમાં દરેક મહિલા ક્રિકેટરને તેમની પ્રતિભા અને સ્થિતિસ્થાપકતાના પ્રતીક રૂપે મૂલ્યવાન હસ્તકલાવાળી નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટ કરવામાં આવશે. ખેલાડીઓને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી, દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવામાં આવશે.

BCCIને સત્તાવાર પત્ર દ્વારા જાણ

હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને આ અંગે સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની શુભકામનાઓ પણ પાઠવી હતી અને આ ભેટ દ્વારા મહિલા ખેલાડીઓ પ્રત્યેનું પોતાનું સન્માન વ્યક્ત કર્યું છે.

ગોવિંદ ધોળકિયાએ પત્રમાં જણાવ્યું કે, આ મહિલાઓએ પોતાની હિંમત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી અબજો ભારતીયોના દિલ જીતી લીધા છે. તેમની જીત છોકરીઓની પેઢીઓને સ્વપ્ન જોવા, ઉભરવા અને ચમકવા માટે પ્રેરણા આપશે. સોલાર પેનલ્સ દ્વારા તેઓ રાષ્ટ્રમાં જે પ્રકાશ લાવે છે, તે તેમના પોતાના જીવનમાં પણ સતત ચમકતો રહે.

ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા અગાઉ પણ રમતગમતના ખેલાડીઓને આ પ્રકારની પ્રોત્સાહક ભેટ આપવામાં આવી છે, જે તેમના પ્રત્યેનો આદર દર્શાવે છે. આ જાહેરાત બાદ ખેલાડીઓ માત્ર દેશ માટે જ નહીં, પણ આ અનોખી ભેટ મેળવવા માટે પણ વધુ પ્રેરિત થશે.