Surat Bamroli Bus Service: સુરત શહેરના બમરોલી - વડોદ - ભીમરાડ વિસ્તારથી ઉત્તર ગુજરાતની રાત્રિ બસ સેવાનો શુભારંભ થયો છે. પ્રથમ તબક્કામાં મહેસાણા - ઊંઝા - પાટણની રાત્ર બસ સેવાનો મૂળ ઉત્તર ગુજરાતના અસંખ્ય સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર, અમીઝરા રેસીડેન્સી, બમરોલી ખાતેથી લીલી ઝંડી બતાવી ધારાસભ્ય સંદીપ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો.
ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરી રજૂઆત
સુરત શહેરના બમરોલી, વડોદ, ભીમરાડ તેમજ આજુબાજુના સંલગ્ન વિસ્તારોની અસંખ્ય સોસાયટીઓમાં મહત્તમ ઉત્તર ગુજરાતના નાગરિકો વસવાટ કરે છે. જેઓની માંગણી અને લાગણીને ધ્યાને લઈ ધારાસભ્ય સંદીપ દેસાઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મૂળ ઉત્તર ગુજરાતના જન પ્રતિનિધિઓ સાથે ઉત્તર ગુજરાતના (મહેસાણા, ઊંઝા, પાટણ, સિદ્ધપુર તેમજ વિસનગર) રૂટની રાત્રિ બસ સેવા બમરોલી - વડોદ - ભીમરાડ વિસ્તારથી શરૂ કરવા રજૂઆત કરી હતી.
રાત્રી બસ સેવાનો કરાયો શુભારંભ
પ્રથમ તબક્કામાં મહેસાણા - ઊંઝા - પાટણની રાત્રિ બસ સેવાનો મૂળ ઉત્તર ગુજરાતના અસંખ્ય સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતમાં ઉમિયા માતાજી મંદિર, અમીઝરા રેસીડેન્સી, બમરોલી ખાતેથી લીલી ઝંડી બતાવી ધારાસભ્ય સંદીપ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો, તેમજ બસમાં સ્થાનિક નાગરિકો સાથે બેસી રાઉન્ડ લઈ હળવાશની પળ માણીને સંવાદ કર્યો હતો.
જાણો બસનો રુટ?
આ બસ સેવા ઉમિયા માતાજી મંદિર, બમરોલી - તિરૂપતિ સર્કલ, વડોદ - ભીમરાડ - ડી માર્ટ - પાંડેસરા - સોસીયો સર્કલ - જોગણી માતાજી મંદિર - ખરવરનગર - ઉધના દરવાજા - સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન વિસ્તારને આવરી લેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક બમરોલી, વડોદ, ભીમરાડ વિસ્તારની સોસાયટીઓના આગેવાનો, મૂળ ઉત્તર ગુજરાતના જન પ્રતિનિધિઓ, હોદ્દેદારો, આગેવાનો, મહિલા, બાળકો તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
