સુરતના અમરોલીમાં પુત્રીએ જ પિતાની કરી ઘાતકી હત્યા, કુકરના ઢાંકણા અને ચપ્પુ વડે કર્યો હુમલો

આ બનાવ અંગે જાણ થતાં જ અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 03:23 PM (IST)Updated: Mon, 02 Nov 2026 03:23 PM (IST)
surat-amroli-daughter-kills-father-cooker-lid-knife-attack
પુત્રીએ જ પિતાની કરી હત્યા

Surat Amroli Murder Case: સુરતના અમરોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને સંબંધોને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં માત્ર ઘરકામ બાબતે થયેલી બોલાચાલી અને પિતાએ મોબાઈલ ફેંકી દેતા આવેશમાં આવેલી 22 વર્ષીય પુત્રીએ પોતાના જ પિતા પર કુકરના ઢાંકણા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. આ બનાવ અંગે જાણ થતાં જ અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ ફેંકી દેતાં પુત્રી ક્રોધે ભરાઈ

મળતી વિગતો અનુસાર, સુરતના અમરોલી કોસાડ આવાસમાં રમેશસિંહ કૈલાશસિંહ રાજપૂત તેમના પરિવાર જેમાં પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. રમેશસિંહ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 31 ઓક્ટોબરના રોજ રમેશસિંહ અને તેમની 22 વર્ષીય પુત્રી કાજલ વચ્ચે ઘરકામ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી દરમિયાન પિતા રમેશસિંહે પુત્રી કાજલના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને નીચે ફેંકી દીધો હતો. પોતાના હાથમાંથી મોબાઈલ ફેંકી દેવાતાં ક્રોધે ભરાયેલી કાજલે ઘરમાં પડેલા કુકરના ઢાંકણાથી તેમજ તીક્ષ્ણ ચપ્પુ વડે પોતાના જ પિતા પર હુમલા કરી દીધા હતા.

અમરોલી પોલીસે પુત્રીને જેલભેગી કરી

પુત્રી દ્વારા કરાયેલા આ અણધાર્યા અને ઘાતકી હુમલામાં રમેશસિંહ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન અથવા ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં હત્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પુત્રી કાજલ (ઉંમર વર્ષ 22)ની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરીને આગળની કાયદેસરની તપસા હાથ ધરી છે. મામૂલી વાતમાં પુત્રીએ જ પિતાની જીવનલીલા સંકેલી લેતાં સમગ્ર કોસાડ આવાસ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.