આજે ધો. 10નું પરિણામ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતનું પરિણામ 64.62 ટકા આવ્યું છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું પરિણામ જાહેર થયું છે. સુરત જિલ્લાનું આ વર્ષે 76.45 ટકા પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સુરત શહેરમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનતથી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું.
દિવ્યાંગ માતા-પિતાના પુત્રએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું
સિદ્ધિ એમને મળે છે જેણે હાર માની નથી. સખત મહેનત એ સફળતાની સૌથી અગત્યની ચાવી છે. સખત મહેનત વિના સિદ્ધિઓ અશક્ય છે. અને આવી જ એક અથાગ મહેનતથી દિવ્યાંગ માતા-પિતાના પુત્રએ ધો. 10 ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે મૂળ અમરેલી જિલ્લાના વતની અને વર્ષોથી સુરતમાં રહેતા સુરેશભાઈ સતાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેઓ અને તેમની પત્ની દિવ્યાંગ છે. તેમના પત્ની ઘરકામ કરવા સાથે સિલાઈ મશીન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. એમને એક મોટી દીકરી બાદ વ્રજ નાનો દીકરો છે. વજ્ર તપોવન સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને તેણે ધો.10ની પરીક્ષા આપી હતી.
આગળ ડોક્ટર બનવાનું સપનું
આજે જાહેર થયેલા પરિણામમાં વ્રજ સતાણીએ 95.33% સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. અને 99.95 પીઆર મેળવ્યા છે. આજન પરિણામ બાદ માતા-પિતામાં ખુશીની લહેર જોવા મળી હતી. માતા-પિતાએ દીકરાને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. વ્રજે જણાવ્યું હતું કે મેં સ્કુલમાં ફસ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે.
પહેલી જ નક્કી કરી રાખ્યું હતું કે સારું પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કરવું છે. જે માટે મેં ખુબ મહેનત પણ કરી હતી. શાળામાંથી પણ શિક્ષકોની ટીમે ખુબ મહેનત કરી હતી. રોજના 6 થી 7 કલાક અભ્યાસમાં ધ્યાન આપ્યું હતું. અને જે મહેનત કરી હતી તેનું આજે જે પરિણામ આવ્યું છે તેનાથી ખુબ જ આંનદ થાય છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે મારા માતા-પિતા દિવ્યાંગ છે. પપ્પા રત્નકલાકાર તરીકે કામ કરે છે જયારે માતા સિલાઈ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. મારું સપનું આગળ ડોક્ટર બનવાનું છે.
સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ
ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધો. 10 ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું જાહેર થયું છે. સુરત જિલ્લામાં 76470 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નોંધાયા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં સુરતમાં 1279 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 8113, B-1માં 13049, B-2માં 15621, C-1માં 14102, C-2માં 5989 અને Dમાં 310 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.
વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર
પરિણામ જાહેર થતા અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ અપર્ણ કરવામાં આવી હતી. તેમજ જે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા તેઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.