વિવાદો વચ્ચે સિંગર આરતી સાંગાણીનો પડકાર: પતિ સાથે ગીત ગાતો વીડિયો શેર કરી સુખી લગ્નજીવનની કરાવી પ્રતીતિ

આ વિવાદના કેન્દ્રમાં રહેલી સુરતની સિંગર આરતી સાંગાણીએ ભારે વિરોધ અને ટીકાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 06 Jan 2026 02:32 PM (IST)Updated: Tue, 06 Jan 2026 02:32 PM (IST)
singer-aarti-sangani-made-a-video-of-herself-singing-a-song-with-her-husband-devang-gohel-and-posted-it-on-social-media

Aarti Sangani Video: ગુજરાતમાં હાલ પાટીદાર દીકરીઓના અન્ય જ્ઞાતિમાં પ્રેમલગ્ન મામલે સામાજિક વિરોધની જ્વાળા ભભૂકી રહી છે. આ વિવાદના કેન્દ્રમાં રહેલી સુરતની સિંગર આરતી સાંગાણીએ ભારે વિરોધ અને ટીકાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આરતી પોતાના પતિની બાજુમાં બેસીને અત્યંત ગહન ભાવ સાથે ગીત ગાતી જોવા મળી રહી છે.

વીડિયો દ્વારા વિરોધીઓને સંદેશ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં આરતી સાંગાણી માઁ ભગવતીની સ્તુતિ કરતા ગીતની પંક્તિઓ લલકારી રહી છે: જેના શબ્દો હતા કે, "કોઈ જોણતું નહોતું જોણીતા તે કર્યા, કોઈ મોનતું નહોતું મોની તાતે કર્યા… માઁ મને જ્યારથી મળી તું, ત્યારથી તિલક કંકુ ના તોણ્યા.."

આ ગીત દ્વારા તેણે ગર્ભિત રીતે સંદેશ આપ્યો છે કે તે પોતાના લગ્ન જીવનથી સુખી છે અને ઈશ્વરની કૃપા તેની પર છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાટીદાર સમાજના કેટલાક સંગઠનો તેના આંતરજ્ઞાતિય લગ્નનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

કાર્યક્રમ સ્થળે થયો હતો ભારે વિરોધ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતના મોટીવેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પરિવારના એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણી ગીતો ગાવાની હતી. જોકે, આ બાબતની જાણ થતા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ફાર્મ હાઉસની બહાર એકઠા થઈ ગયા હતા અને આરતીનો વિરોધ કર્યો હતો. સામાજિક દબાણ અને વિરોધને જોતા આખરે આરતીનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

સમાજમાં બે ફાંટા

આરતી સાંગાણીના આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ 'સંસ્કાર અને મર્યાદા'ના નામે વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો આરતીની હિંમતને બિરદાવી રહ્યા છે અને વ્યક્તિગત સ્વતંત્રતાની તરફેણ કરી રહ્યા છે. હાલમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં પાટીદાર દીકરીઓના લગ્ન મામલે સામાજિક નિયમો કડક બનાવવાની માંગ ઉઠી રહી છે, ત્યારે આરતીનો આ વીડિયો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે.