Surat News: સુરતમાં સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણી શૈલેષ સાગપરીયાએ સમાજની વર્તમાન સ્થિતિ અને પરિવારમાં આવતા પેઢીગત અંતર (Generation Gap) પર ગહન ચિંતન રજૂ કર્યું હતું. ખાસ કરીને દીકરીઓને ઉદ્દેશીને તેમણે કરેલી અપીલે ઉપસ્થિત સૌ કોઈને ભાવુક કરી દીધા હતા.
દીકરીઓને પિતાની આબરૂ જાળવવા અપીલ
સુરતમાં હાલમાં ચાલી રહેલા સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્ન વિવાદના પડઘા આ કાર્યક્રમમાં પણ જોવા મળ્યા હતા. શૈલેષ સાગપરીયાએ કોઈનું નામ લીધા વિના દીકરીઓને સાવચેત કરતા કહ્યું કે, “તમારો જીવનસાથી પસંદ કરતી વખતે સચેત રહેજો. તમારી ઉંમર નાની હોવાથી કદાચ તમને ખબર નથી પડતી કે તમારી પસંદગી કેટલી ખોટી હોઈ શકે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “તમારા પિતા પાસે કદાચ બંગલો કે ગાડી ન હોય, પણ તેમની પાસે ગામમાં ગજબની આબરૂ હોય છે. એક દીકરી તરીકે આપણે એ વિચારવું જોઈએ કે આપણું એક ડગલું એ આબરૂને ધૂળમાં ન મેળવી દે. જે બાપ છાતી કાઢીને ચાલતો હોય તેને નીચી નજર સાથે ચાલવું પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવું એ દીકરીની પણ જવાબદારી છે.” તેમણે અભિનેત્રીઓના બદલે મણિબેન પટેલ જેવા આદર્શોને અનુસરવા ભાર મૂક્યો હતો.
વડીલોને મિત્ર બનવાની સલાહ
માત્ર દીકરીઓ જ નહીં, વડીલોને પણ ટકોર કરતા સાગપરીયાએ જણાવ્યું હતું કે, “સમય ખૂબ ઝડપથી બદલાયો છે. હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં પડકારો વધ્યા છે. જો વડીલો પોતાના વિચારો નહીં બદલે તો નવી પેઢી તેમને એકલા પાડી દેશે.” તેમણે સલાહ આપી કે જ્યારે દીકરા-દીકરી 16 વર્ષના થાય ત્યારે પિતાએ ‘શાસક’ મટીને ‘મિત્ર’ બનવું જોઈએ, જેથી ઘરમાં દરેક વિષય પર ખુલ્લી ચર્ચા થઈ શકે.
સામાજિક સુધારા પર ભાર
સમાજમાં મોડેથી થતા લગ્ન અને અપેક્ષાઓ વિશે બોલતા તેમણે કહ્યું કે, દીકરીઓ 30-30 વર્ષની થઈ જાય છે છતાં યોગ્ય પાત્ર મળતું નથી કારણ કે આપણી અપેક્ષાઓ ખૂબ મોટી છે. તેમણે સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને સાસુ-વહુના સંબંધોમાં આધુનિકતા લાવવાની હિમાયત કરી હતી. શૈલેષ સાગપરીયાની આ કડવી પણ સત્ય વાતોએ પાટીદાર સમાજને આત્મમંથન કરવા મજબૂર કર્યો હતો.
