Surat News: સુરતના સચિન GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. ગત 7મી ડિસેમ્બરના રોજ ઘર પાસે રમતી 10 વર્ષની માસૂમ બાળકી ગુમ થઈ હતી, જેને 10 દિવસ વીતી જવા છતાં પોલીસ હજુ સુધી શોધી શકી નથી. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં રોષ અને ગરીબ મજૂર પરિવારમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે.
1000 CCTV ફૂટેજ અને જબલપુરનું રહસ્ય
સચિન GIDC પોલીસના જણાવ્યા અનુસાર, બાળકી મજૂર પરિવારની દીકરી છે. તપાસ દરમિયાન પોલીસે લગભગ 1000 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા છે. ફૂટેજમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે બાળકી સુરતથી એક આશરે 45 વર્ષના અજાણ્યા આધેડ સાથે નીકળી હતી. જોકે, ત્યારબાદ તે મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેનમાં એકલી જોવા મળી હતી. આ આધેડ કોણ હતો અને બાળકી તેની સાથે કેમ ગઈ, તેમજ જબલપુરથી આગળ તે ક્યાં ગઈ તે પોલીસ માટે હજુ પણ એક વણઉકેલ્યું રહસ્ય છે.
આ પણ વાંચો
ટેકનિકલ ખામી કે પોલીસની નિષ્ફળતા?
પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, સર્વરની સમસ્યા અથવા ટેકનિકલ ખામીને કારણે સર્વેલન્સમાં મુશ્કેલી પડી રહી છે અને હાલ પોલીસ માત્ર 'હ્યુમન ઇન્ટેલિજન્સ' પર આધાર રાખી રહી છે. બીજી તરફ, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસની ઢીલી કામગીરીને કારણે ગુનેગારો બેખોફ બન્યા છે.
ત્રણ બાળકો હજુ પણ લાપતા
સચિન GIDC પોલીસની કાર્યશૈલી પર સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આ પહેલી ઘટના નથી. ગત ઓગસ્ટ મહિનામાં એક મહિલાના આપઘાત બાદ તેના ત્રણ માસૂમ બાળકો (ઉંમર 5 વર્ષ, 3 વર્ષ અને દોઢ વર્ષ) ગુમ થયા હતા. તે બાળકોને શોધવામાં પણ પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે. ઓગસ્ટથી અત્યાર સુધી ચાર બાળકો ગુમ થવાની ઘટનાઓએ પોલીસની સક્રિયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે.
પરિવારની આક્રંદભરી અપીલ
ગુમ થયેલી 10 વર્ષની બાળકીના માતા-પિતા અત્યંત ગરીબ છે. તેમની નાનીને રેલવે સ્ટેશન મૂકવા ગયા બાદ પરત ફરેલી બાળકી થોડી ઉદાસ હતી અને રમતા-રમતા ગુમ થઈ ગઈ હતી. 10 દિવસથી દીકરીની રાહ જોઈ રહેલા માતા-પિતા હવે માત્ર પોલીસના આશ્વાસનથી સંતુષ્ટ નથી, તેમને પોતાની દીકરી સહીસલામત પાછી જોઈએ છે.
સતત બાળકો ગુમ થવાની ઘટનાઓએ સચિન GIDC વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. શું પોલીસ આ વખતે કોઈ નક્કર પરિણામ લાવશે કે પછી આ કેસ પણ ઓગસ્ટના કેસની જેમ વણઉકેલ્યો રહેશે?
