PP Savani Group in Surat: સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 'પિતાની છત્રછાયા ગુમાવેલી' દીકરીઓ માટે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 અને 21 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ 'કોયલડી લગ્ન સમારોહ'માં કુલ 133 દીકરીઓને મહેશભાઈ સવાણીએ પાલક પિતા બની સાસરે વળાવી હતી. રવિવારે કાર્યક્રમના બીજા દિવસે 56 યુગલોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

માનવતા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ
મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આ 133 કન્યાઓમાંથી 90 ટકા એવી દીકરીઓ છે જેમના પરિવારમાં પિતા કે ભાઈની છત્રછાયા નથી. જાતિ, ધર્મ અને પ્રદેશના ભેદભાવ ભૂલીને અનેક સમાજની દીકરીઓ એક જ માંડવે પરણી હતી. રવિવારે પરણેલા 56 યુગલોમાં એક ખ્રિસ્તી યુગલનો પણ સમાવેશ થતો હતો, જે કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

અંગદાન જાગૃતિ અને સામાજિક સંદેશ
આ લગ્ન પ્રસંગ માત્ર મંગલ ફેરા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ સામાજિક જાગૃતિનું કેન્દ્ર પણ બન્યો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું જેમણે પોતાના સ્વજનોના મૃત્યુ બાદ અંગદાનની સંમતિ આપીને અન્યોને નવજીવન આપ્યું હતું. 'જીવનદીપ ઓર્ગન ડોનેશન' સંસ્થા દ્વારા લગ્ન મંડપમાં અંગદાન જાગૃતિનો વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો.

સાસુઓએ કર્યું વહુઓનું અનોખું સ્વાગત
લગ્નવિધિમાં એક નવતર પ્રયોગ જોવા મળ્યો હતો, જ્યાં સાસુઓએ પોતાની વહુને 'તુલસીનો છોડ' અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. મહેશ સવાણીએ આ પ્રતીકાત્મક વિધિ દ્વારા સાસુ-વહુના સંબંધોમાં પ્રેમ અને સન્માનની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીઓને 'તુલસીનો ક્યારો' ગણી સાસુઓ પોતે હાથ પકડીને લગ્નમંડપ સુધી દોરી ગઈ હતી.

ત્રિવેણી પુસ્તક વિમોચન
આ પ્રસંગે ત્રણ મહત્વના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું:
- 1) વલ્લભભાઈ સવાણીનું જીવનચરિત્ર ‘આરોહણ’ (લેખક: શૈલેષ સગપરિયા)
- 2) મહેશ સવાણીના જીવન પર આધારિત ‘પ્રેરણામૂર્તિ’ (લેખક: ડો. જિતેન્દ્ર અઢિયા)
- 3) પિતાવિહોણી દીકરીઓના પત્રોનું સંકલન ‘કોયલડી’
વિદાયની ભાવુક ક્ષણો
રવિવારની મોડી સાંજે જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે સમગ્ર મંડપમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે દીકરીઓ પોતાના પાલક પિતા મહેશભાઈને ભેટી ત્યારે બંને પક્ષે આંસુઓનો ધોધ વહેવા લાગ્યો હતો. મહેશભાઈએ દરેક દીકરીના માથે હાથ મૂકી આજીવન પિતા તરીકેની જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ અને સમાજના અગ્રણીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પી. પી. સવાણી પરિવારનો આ સેવાયજ્ઞ સમાજ માટે એક દિવાદાંડી સમાન સાબિત થયો છે, જ્યાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ રેલાયો હતો.

