Surat News: સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સુરત એસઓજી પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જત્થા સાથે કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબજે કર્યું હતું. તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
એસઓજી પોલીસને માહિતી મળી હતી કે રાંદેર વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જર ડ્રગ્સના કેસમાં જેલમાં જતા ડ્રગ્સનું રેકેટ તેની પત્ની હીના ચલાવી રહી છે અને તે ડ્રગ્સનો મોટો જત્થો મંગાવી તેના મકાનમાં સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે એસઓજી પોલીસે રાંદેર મોરાભાગળ સ્થિત વ્હાઈટ હાઉસની ગલીમાં તેના ઘરે દરોડો પાડ્યો હતો.
પોલીસે ઘરમાંથી 50.70 લાખની કિમતનું 507 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 50 હજારની કિમતનો એક મોબાઈલ, રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 51.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. કુખ્યાત ડ્રગ્સ માફિયાની પત્ની હીનાની ધરપડક કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો પતિ ઈસ્માઈલ ગુજ્જર છેલ્લા આઠેક મહિના થી ડ્રગ્સ કેસમાં લાજપોર જેલમાં બંધ છે. જેથી તેના પતિનો ડ્રગ્સનો કારોબાર તેની ગેરહાજરીમાં જાતે જ સંભાળી લઇ ડ્રગ્સ હેરાફેરી કરતા પેડલરો પાસેથી ડ્રગ્સ મંગાવી તેનું વેચાણ કરવા લાગી હતી. તેણે આવી રીતે ડ્રગ્સનો જત્થો વોન્ટેડ આરોપી સાહિલ ઉર્ફે સાહિલ મંદિર પાસેથી મંગાવી તે ડ્રગ્સનો જત્થો પેડલર વસીમ ઉર્ફે વસીમ નિપ્પલને આપવા માટે પોતાની પાસે રાખ્યો હતો. જો કે આ દરમિયાન પોલીસે દરોડો પાડી ડ્રગ્સનો જત્થો ઝડપી પાડી મહિલાની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2020થી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટીનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે .આ ઝુંબેશના ખુબ સારા પરિણામ પણ મળ્યા છે. આ દરમિયાન એસઓજી પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઈસ્માઈલ મુબારક શેખની પત્ની હીનાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 50.70 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા મહિલાના પતિ પણ નાર્કોટીક્સના ગુનામાં પકડાયો હતો. કોકેનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મ્સ એક્ટનો પણ કેસ થયો છે. સાથે સાથે વડોદરામાં એટીએસ દ્વારા પણ એક કેસ કરવામાં આવ્યો હતો. આ તમામ ગુનામાં આરોપી લાજપોર જેલમાં છે.
પતિ જેલમાં હોવાથી તેની જગ્યાએ તેનો ધંધો તેની પત્ની હીના સંભાળતી હતી. મહિલાને ડ્રગ્સ આપનાર સાહિલ ઉર્ફે સાહિલ અરવિંદભાઈ ગોસાઈ કે જે અગાઉ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. ઈસ્માઈલ જેલમાં ગયો ત્યાંથી આ આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવીને તેની પત્ની હીનાને આપતો હતો. તેની પણ ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવી રહ્યા છે. બીજો અન્ય એક આરોપી છે વસીમ નિપ્પલ તે પણ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. હમણાં તે હીના સાથે સંપર્કમાં હતો તેની પણ ધરપકડ કરવાની તજવીજ છે.
અત્યાર સુધી 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે : સુરત પોલીસ કમિશ્નર
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કોઈ પણ વર્ષો કરતા આ સંખ્યા વધારે છે. કુલ 257 આરોપીઓની ધરપકડ નાર્કોટીક્સના ગુનામાં આ અભિયાન હેઠળ કરવામાં આવી છે. જેમાં ઓડીશાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા ત્યાથી એક, મધ્ય પ્રદેશમાંથી 1, હિમાચલમાંથી 5 અને સુરત શહેર અને બીજા જિલ્લામાંથી કુલ 147 આમ કુલ 257 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે.
સુરત શહેરની સાથે સાથે અન્ય જીલ્લાઓમાં પણ નાર્કોટીક્સના ગુનામાં જે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી પણ ગંભીરતાથી પોલીસ કરી રહી છે. અત્યાર સુધી 127 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ યુવાધનને બરબાદ કરવાનો માર્ગ છે. યુવાનોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડા કરનારા આ ઈસમો છે. સંપૂર્ણ ગંભીરતાથી આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે.