Surat Girl Kidnapping Case: સુરતના મહિધરપુરા વિસ્તારમાં દોઢ વર્ષની બાળકીના અપરહણની ઘટના સામે આવી છે. ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારની દીકરીના થયેલા અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મહિધરપુરા રૂવાળા ટેકરા પાસે શારદાબેન નામની મહિલા દાતણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 5 વર્ષીય પુત્ર અને એક દોઢ વર્ષની પુત્રી છે. તેમના પતિનું એકાદ વર્ષ પહેલા નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી એક મહિલા શારદાબેન જ્યાં દાતણ વેચે છે ત્યાં આવતી હતી અને પોતાનું નામ રેખા જણાવ્યું હતું. આ મહિલા આખો દિવસ ત્યાં પસાર કરતી હતી અને તેમના સંતાનોને રમાડતી હતી. તેમજ ચા-નાસ્તાની લારી પર નાસ્તો કરાવવા પણ લઇ જતી હતી.
રેખા નામની મહિલાનો છેલ્લા 15 દિવસથી આ નિત્યક્રમ હોય શારદાબેનને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. ગત 21 જાન્યુઆરીના દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ રેખા આવી હતી અને દરરોજની જેમ શારદાબેનની દોઢ વર્ષની દીકરીને રમાડી રહી હતી. શારદાબેન પણ વિશ્વાસ મુકીને રેખાને દીકરીનું ધ્યાન રાખવાનું કહી બાથરૂમ ગયા હતા. શારદાબેન જ્યારે પરત આવ્યા ત્યારે જોયું તો રેખા દીકરીને લઇને ખાઉધરા ગલી તરફ જઇ રહી હતી.

રેખાને જતી જોઇને શારદાબેનને લાગ્યું કે દરરોજની જેમ તે દીકરીને નાસ્તો કરાવવા માટે લઇ જઇ રહી છે. તેથી તેઓ પોતાના દાતણ વેચવાના કામમાં લાગી ગયા હતા, પરંતુ ઘણા સમય પછી પણ રેખા દીકરીને લઇને પરત ફરી ન હતી. જેથી શારદાબેને પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી હતી. પરિવારજનોએ બાળકીની શોધખોળ આદરી હતી. જોકે રેખા કે બાળકી ક્યાંય જોવા મળ્યા ન હતા. જેથી શારદાબેને સમગ્ર મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતા સમજીને મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરતા ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં રેખા જોવા મળી હતી. પોલીસે રેખાને પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે બાળકીની માતાએ આ સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે આવી જાણ કરી હતી. બનાવનો ગુનો નોંધી બાળકીની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બાળકીને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તપાસની આ કામગીરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે.