ગઇકાલે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 10ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે સુરતમાં એક વિદ્યાર્થિનીએ ધો. 10ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે આપઘાત કરી લીધો હતો. પરંતુ જ્યારે બોર્ડનું પરિણામ આવ્યું તો તેમાં તે વિદ્યાર્થિની પાસ થઇ હતી. પરિવારની દીકરી દ્વારા પરિણામના ભયના કારણે આ પ્રકારનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
સુરતના ભેસ્તાર વિસ્તારમાં રહેતી નુપુર નામની વિદ્યાર્થિનીએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જોકે પરીક્ષા આપ્યા બાદ સતત તેને નાપાસ થવાનો ડર સતાવી રહ્યો હતો. જેના કારણે નુપુર તણાવમાં આવી ગઇ હતી. તણાવ અને નાપાસ થવાના ડરે હિંમત હારી જતાં નુપુરે ધોરણ 10ની પરીક્ષાના પરિણામ પહેલા ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. નુપુરે આ પગલું ભરતા પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
વ્હાલસોયી દીકરીએ આપઘાત જેવું મોટું અને ગંભીર પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જાણવા મળ્યું છેકે, આ વિદ્યાર્થિની ધો. 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થઇ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.