Baba Dhirendra Shastri Banner in Surat: સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલા જ વિરોધના સુર ઉઠવા લાગ્યાં છે. જેમાં કેટલાક અસંતુષ્ટ લોકો દ્વારા શહેરના લિંબાયત વિસ્તારમાં બાબાના દિવ્ય દરબાર સંદર્ભે લગાડવામાં આવેલા બેનરો ફાડી નાંખવામાં આવ્યા છે.
હકીકતમાં છેલ્લા 2-3 દિવસથી બાબાના દિવ્ય દરબારના કાર્યક્રમને લઈને શહેરમાં ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો કે પોલીસ સ્ટેશનથી માત્ર 700-800 મીટર અને કાર્યક્રમ સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરમાં લાગેલા બેનર વિરોધીઓ દ્વારા ફાડી નાંખવામાં આવ્યા છે. હાલ તો આ બેનર કોના દ્વારા ફાડી નાંખવામાં આવ્યા છે? તે સૌથી મોટો તપાસનો વિષય બન્યો છે. બીજી તરફ બાબાના કાર્યક્રમના આયોજકો દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી બે દિવસ સુરતમાં છે, જ્યાં શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત આજે 5 વાગ્યા બાદ દિવ્ય દરબારની શરુઆત થશે. નીલગીરી ગ્રાઉન્ડમાં અંદાજીત દોઢ લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે પીવાના પાણી, પોલીસ અધિકારી-કર્મચારીઓનો બંદોબસ્ત, પાર્કિંગ તેમજ મોબાઈલ ટોઇલેટ વાનની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે
આ ઉપરાંત નીલગીરી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, 30થી વધુ LED સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાનો અંદાજ હોય અહી મેડિકલ ટીમ, ફાયર અને પોલીસ તંત્ર ખડેપગે રહેશે તેમજ દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો પણ કરશે તેમ જાણવા મળ્યું હતું. તેમજ ગ્રાઉન્ડમાં પંખા, કુલર સહીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.