સુરતમાં સાયબર ક્રાઈમ સેલે 1 કરોડ અને 41 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. ઉન વિસ્તારમાં રહેતા વસીમ અકરમ હુસેન શેખના ઘરે પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આ રોકડ કબજે કરવામાં આવી છે. તેમજ આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઈમ સેલને બાતમી મળી હતી કે ઉન પાટિયા વિસ્તારમાં આવેલા દરબાર નગર પાસે રહેતા વસીમ અકરમ હુસેન પટેલ સાયબર ફ્રોડ કર્યું છે અને તેના ઘરે રોકડા રૂપિયા રાખેલા છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા રોકડા રૂપિયા 1 કરોડ 41 લાખ મળી આવ્યા હતા જેથી પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ રોકડા રૂપિયા કબજે કર્યા છે અને આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. તેમજ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે એસીપી યુવરાજસિહ ગોહિલે જણાવ્યું હતું કે અંગત બાતમીદાર થકી બાતમી મળતા વસીમ અકરમ હુસેન પટેલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના ઘરે તપાસ કરતા વસીમ અકરમ હુસેન પટેલ મળી આવ્યો ન હતો. તેમજ તેના ઘરે તપાસ કરતા 1 કરોડ અને 41 લાખ રોકડ રકમ મળી આવતા સીઆરપીસી કલમ 102 મુજબ રોકડા રૂપિયા કબજે કર્યા છે. તેમજ આ અંગેની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરવામાં આવી છે. તેમજ આ મામલે અલગ અલગ વિભાગનોને જાણ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વસીમ અકરમ હુસેન પટેલ ઘરે હાજર મળી આવ્યો ન હતો. ઘરે તેના માતા પિતા જ હાજર હતા તેઓને આ રૂપિયા અંગે જાણ ન હતી. રૂપિયા ઘરની અંદર લોખંડના કબાટની અંદરથી મળી આવ્યા છે. વસીમ અકરમ હુસેન પટેલ, જમીન મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું હાલ જાણવા મળ્યું છે. વસીમ પટેલ હાલ પોલીસ પકડથી દુર છે. તેની શોધખોળ બાદ આ રૂપિયા અંગે વધુ માહિતી બહાર આવશે. પ્રાથમિક દ્રષ્ટીએ ક્રીપ્ટો કરન્સી ફ્રોડ અથવા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય શકે પરંતુ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે.