Surat News: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ-ડોક્ટર સેલના સથવારે આજે સમગ્ર ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં 1200થી વધુ તજજ્ઞો દ્વારા એક સાથે 65 હજાર વ્યક્તિઓને CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ આપવામાં આવ્યું છે. સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં સુરત શહેરમાં ક્રિકેટ રમતા યુવાનો પણ હાર્ટ એટેકથી મોત થયા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ-ડોક્ટર સેલના સથવારે આજે સમગ્ર ગુજરાતમાં CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ પણ આ ટ્રેનીંગ લીધી હતી. આ અભિયાન સવારે 9 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી ચાલશે. આ ટ્રેનીંગમાં જેમાં સુરત શહેરના પ્રત્યેક વોર્ડમાંથી ટ્રેનિંગમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભાગ લેશે આ સેવાનાં કાર્યમાં સહભાગી થશે.
આ ટ્રેનિંગ દ્વારા કોઈ વ્યક્તિને આપણા થકી જીવત દાન આપી આપણું જીવન ધન્ય બનશે. સુરત શહેરના સહું નગરજનો પણ આ અભિયાનમાં જોડાઈ વધુમાં વધુ લાભ લે તેવી સુરત શહેર ભાજપ દ્વારા અપીલ કરવામાં આવે છે. આ અભિયાનમાં ભાગ લેનાર વ્યક્તિઓ ને ISA (indian society of anesthetic) અને બીજેપી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.