સુરતમાં જોખમી ડ્રાઈવિંગ કરી રહેલા એક સિટી બસ ચાલકને મેયરે અટકાવ્યો હતો અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ ખખડાવ્યો હતો. આ ઉપરાંત અધિકારીઓને પણ આ ડ્રાઇવર વિરુદ્ધ પગલા ભરવા તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના મેયર હેમાલીબેન બોઘવાલા સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન એક સીટી બસ ચાલક રિસ્કી રીતે બસ હંકારી રહ્યો હતો. આ બાબત મેયરના ધ્યાને આવી હતી જેથી તેઓની કારે બસનો પીછો કરી બસને રોકાવી હતી અને મેયર ખુદ બસમાં જઈને ડ્રાઈવરને આ બાબતે ઉધડો લીધો હતો અને બસ ચલાવવાની ઢબ અંગે તેને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત આવી જોખમી રીતે બસ ચલાવનાર ડ્રાઇવર સામે આંકરા પગલાં ભરવા માટે અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કેટલાક સીટી બસ ચાલકો બસ બેફામ હંકારતા હોવાની ફરિયાદો ઉઠી છે તેમજ સીટી બસ ચાલકની અડફેટે અકસ્માત તેમજ લોકોના અકસ્માતમાં મોત થયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચુકી છે. આજે એક બસ ચાલક રિસ્કી રીતે બસ હંકારતા મેયરે બસ ઉભી રખાવી બસ ચાલકનો ઉધડો લઈને તેની સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
