Barmer-Udhna Special Train: દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા વધારાની ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા પ્રવાસીઓની સુવિધા માટે બાડમેરથી ઉધના વચ્ચે એક તરફી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનો લાભ ખાસ કરીને સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવતા મુસાફરોને મળશે.
સ્પેશિયલ ટ્રેનનો સમય
રેલવે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 04831 બાડમેર-ઉધના વન-વે સ્પેશિયલ 5 નવેમ્બર 2026ના રોજ રાત્રે 11:50 વાગ્યે બાડમેરથી ઉપડશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 6 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ઉધના રેલવે સ્ટેશન પહોંચશે. આ ટ્રેન માત્ર એક જ ફેરો કરશે.
રાજસ્થાનથી ગુજરાત આવશે
આ સ્પેશિયલ ટ્રેનને રાજસ્થાન અને ગુજરાતના અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યો છે. બાડમેરથી પ્રસ્થાન કર્યા બાદ ટ્રેન બાયતુ, બાલોતરા, સમદડી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ ભીનમાલ, રાનીવાડા, ધાનેરા, ભીલડી, પાટણ અને મહેસાણા થઈ સાબરમતી પહોંચશે. ત્યારબાદ સાબરમતીથી નડિયાદ, આણંદ, વડોદરા અને ભરૂચ ખાતે રોકાણ કરીને અંતે ઉધના પહોંચશે.
