બારડોલીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી: હજારો નાગરિકો અને અધિકારીઓએ દોડીને આપ્યો અખંડિતતાનો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીમાં રન ઓફ યુનિટી યોજાઈ. સ્વરાજ આશ્રમથી શરૂ થયેલી દોડમાં હજારો નાગરિકો, ધારાસભ્યો અને અધિકારીઓ જોડાયા અને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 03:32 PM (IST)Updated: Sat, 31 Oct 2026 03:32 PM (IST)
bardoli-run-for-unity-2026-national-unity-day-sardar-patel-birth-anniversary

Run for Unity 2026: બારડોલીમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરાજ આશ્રમ ખાતેથી પ્રારંભ થયેલી આ દોડમાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.

ધારાસભ્યો દોડને લીલી ઝંડી આપી

એકતા દોડને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમબેન વ્યાસ તથા સ્વરાજ આશ્રમના નિરંજનાબાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકોએ લીધા સામૂહિક એકતાના શપથ

સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેના અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી સવારે 7:00 કલાકે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતેથી શરૂ થયેલી એકતા દોડ મુક્તિ પેલેસ, અભિરામ સર્કલ, નગરપાલિકા રોડ, સિનિયર સિટીઝન હોલ, પટેલ મેડિકલ અને સ્ટેશન રોડ થઈ પુનઃ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી. આ અવસરે સૌએ સામૂહિક એકતાના શપથ લીધા હતા.

અધિકારીઓ અને નેતાઓ જોડાયા

આ પ્રસંગે ધારાસભ્યો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત બારડોલીનાં પ્રાંત અધિકારી રોશનીબેન પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષય એન્જિનિયર, નાયબ પોલીસ અધિક્ષક એચ.એલ. રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક આઈ.જે. પટેલ અને સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બારડોલીના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

“રન ફોર યુનિટી” દ્વારા નાગરિકોમાં સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી બારડોલીમાં રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો.