સુરત.
Bageshwar Baba Dhirendra Shastri Surat Visit: બાબા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો 10 દિવસનો ગુજરાત પ્રવાસ આજથી શરૂ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત આજે તેઓ સૌ પ્રથમ અમદાવાદ સ્થિત વટવામાં આયોજિત દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ભાગ લીધો હતો. જ્યાં બાગેશ્વર બાબાએ સનાતન વિરોધીઓને આડેહાથ લીધા હતા. જે બાદ બાબા સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.
અમદાવાદથી બાબા બાગેશ્વર ચાર્ટડ પ્લેનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં માતા કિરણ પટેલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ સમયે ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
સુરત એરપોર્ટ પરથી બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું હતુ. જે બાદ તેઓ અબરામા ખાતે જવા રવાના થયા હતા. અહીં ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહના ગોપીન ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રિ રોકાણ કરશે.
બાબા બાગેશ્વર તાપી નદીના કિનારે આવેલા જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાવાના છે, તેનું ઈન્ટિરિયર ઈન્ટરનેશનલ લેવલનું છે. આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, મંદિર તેમજ સ્પા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
જણાવી દઈએ કે, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આગામી બે દિવસ સુધી બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે.
ગુજરાત પહોંચતાં જ પોતાના સંબોધનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, ભક્તિ ભૂમિ ગુજરાતને નમન. ગુજરાતીઓને દરેક જગ્યાએ પહોંચ છે, ધન્ય છો તમે. અહીંના લોકોથી જીતવું ઘણું અઘરું છે. તેઓ આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં રહેશે. 29મી મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. આ દરમિયાન સનાતન વિરોધીઓની ચટણી બનાવશે. ધર્મ વિરોધીઓ જ્યાં સુધી સુધરી નહીં જાય, ત્યાં સુધી આ કામ ચાલતુ રહેશે.
સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. સનાતન ધર્મનું અપમાન કરનારા લોકોને માફ ના કરી શકાય. સનાતન ધર્મમાં માનનારા લોકોએ એકજૂટ થઈ જવું જોઈએ. તેમણે સનાતન માટે જાગવું પડશે, નહીંતર આગલી પેઢીમાં રામકથા નહીં થાય. હિન્દુઓએ હવે ભાગવાનો સમય નથી, પરંતુ જાગવાનો સમય છે.