Dhirendra Shastri Divya Darbar in Surat: બાબા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે સુરતમાં દિવ્ય દરબાર યોજાય તે પૂર્વે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ફરીથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરવા સાથે પોતાના વિરોધીઓને આડેહાથ લીધા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં સર્વત્ર રામનામની ધૂમ છે. હું પ્રથમ વખત આટલા સમય માટે ગુજરાત આવ્યો છું અને થોડા સમય અહીં જ વીતાવીશ. મને ગુજરાતમાં પરિવાર મળ્યો છે.
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં જે પ્રમાણે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, તે અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે, હું આદિવાસી વિસ્તારમાં કથા કરીશ અને લોકોની ઘર વાપસી કરાવીશ. સનાતન સંસ્કૃતિની જાગૃતિની ખૂબ જ આવશ્યક્તા છે. આપણે માત્ર મોબાઈલ અને ટીવી સુધી સિમિત છીએ, આપણે સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે દિલો સુધી કરવો પડશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હિન્દુ રાષ્ટ્રની વાત કરવી કંઈ ખોટું નથી. ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ, છે અને રહેશે. મારો ધ્યેય કાગળ પર જ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય તેવો નથી. મારો ધ્યેય પ્રત્યેક હિન્દુના હ્રદયમાં હિન્દુ રાષ્ટ્રની ભાવના જાગે તે છે. જેથી તેઓ આપણી સંસ્કૃતિને સુરક્ષિત રાખી શકે.
પોતાના થઈ રહેલા વિરોધ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે, કોઈ પણ કાર્યક્રમ કોન્ટ્રોવર્સિયલ નથી હોતો, પરંતુ તેને જાણી જોઈને બનાવી દેવામાં આવતો હોય છે. હનુમાનજીના લંકા જવાથી તેમનો પણ વિરોધ થયો હતો. હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજીના લંકા જવાથી તેઓનો પણ વિરોધ થયો હતો. હું તમામ પાર્ટીને એક જ વાત કહેવા માંગુ છું કે, મને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવામાં ના આવે. હું એક જ પાર્ટીનો છુ અને તે માત્ર બજરંગબલીની પાર્ટી. આ સિવાય તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.