સુરત.
Dhirendra Shastri in Surat:બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના 10 દિવસના ગુજરાત પ્રવાસ પર છે, ત્યારે આજે સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવા અંગે નિવેદન આપ્યું હતુ.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, ગુજરાતીઓની પહોંચ દરેક જગ્યાએ છે. આપ ધન્ય છો. હું ભક્તિ ભૂમિ ગુજરાતને નમન કરવા માંગુ છું. અહીંના લોકોથી જીતવું ઘણું મુશ્કેલ છે. જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે, તો આપણે પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ, છે અને રહેશે. સનાતન ધર્મ માટે આપણે સૌ કોઈએ જાગવું પડશે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને રામ અને હિન્દુસ્તાનની જરૂર છે. પાકિસ્તાન PoKને સાચવી નથી શકતું. હવે ભારત તો શું, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.
જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 10 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં દિવ્ય દરબાર ભરવાના છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે સુરતમાં સાંજે 5 વાગ્યે તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હિન્દુ રાષ્ટ્રની વાત કરીને સનાતન વિરોધીઓને આડેહાથ લેતા આ્યા છે. આજે પણ દિવ્ય દરબાર પૂર્વે બાબાએ જણાવ્યું હતું કે, તેઓ થોડા દિવસ ગુજરાતમાં રહેશે. આદિવાસીઓના ધર્માંતરણ મુદ્દે બાગેશ્વર બાબાએ જણાવ્યું કે, આ મામલે તેઓ આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું આયોજન કરશે. આ સાથે મારો એક જ પાર્ટી સાથે સબંધ છે અને તે છે બજરંગ બલીની પાર્ટી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે તાત્કાલીક સુનાવણીનો ઈનકાર કર્યો છે. અરજકર્તાએ માંગ કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન સાંપ્રદાયિક તણાવ વધે તેવી કોઈ ગતિવિધિ ના થાય, તે માટે પોલીસને આદેશ આપવામાં આવે.
જો કે કોર્ટે આ જાહેરહિતની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. અરજકર્તાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પર અગાઉ પણ લઘુમતીઓ વિરુદ્ધ લોકોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.