Surat News: સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગર પાસે એક શ્રમજીવી પરિવારના 5 વર્ષીય બાળકને આઈસર ટેમ્પા ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ પાંડેસરા પોલીસે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ મહેસાણા જિલ્લાના વતની પ્રકાશભાઈ જયંતીભાઈ દેવીપૂજક હાલમાં માં સુરતના ભેસ્તાન સિદ્ધાર્થનગર પાસે વાલ્મીકી આવાસ પાસે રહે છે. તેઓ દિવ્યાંગ છે અને અને ફૂટપાઠ પર ફ્રુટ વહેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે બાળકો છે.
દરમિયાન આ પરિવાર ભેસ્તાન સિદ્ધાર્થ નગર પાસે ફૂટપાઠ પર ફ્રુટ વહેંચી રહ્યો હતો ત્યારે તેઓનો 5 વર્ષીય બાળક અનમોલ મોબાઈલ ફોન જોતો હતો આ દરમિયાન એક આઈસર ટેમ્પા ચાલકે બાળકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી. બાળકના માથા પર ટાયર ચડી જતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત નીપજ્યું હતું.
વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વધુમાં બાળકના પિતા દિવ્યાંગ છે જયારે માતા લતાબેન સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા, તેઓના પુત્રના મોતને લઈને માતા પિતાએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. ન્યાયની માંગ કરી હતી.
આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે મૃતક બાળકના કાકાની ફરિયાદના આધારે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે આઈસર ટેમ્પા ચાલક રામનરેશ રામવિલાસ રઘુવંશી [ઉ.વ.48]ની ધરપકડ કરી લેવામાં આવી છે તે પણ સિદ્ધાર્થ નગર પાસે રહે છે. તેની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.