Bhuj: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 6 નવેમ્બરના રોજ, ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે રાજ્યના 30 જેટલા સિનિયર IPS અધિકારીઓની એક વિશાળ ટીમ પણ જોડાશે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. સવારે ભુજ સર્કિટ હાઉસથી પ્રારંભ કરીને, નાયબ મુખ્યમંત્રી ગામડાઓમાં જઈ ખાટલા સભા યોજશે.
આ દરમિયાન, ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.
ટીમ દ્વારા સરપંચો, ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરાશે.
દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ: જનતા સાથેનું જોડાણ
આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામના ભાતીગળ રહેઠાણ 'દેશી ભૂંગા'માં જ રાત્રિ રોકાણ કરશે.તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ, ગ્રામજનોની રહેણી-કહેણી અને તેમની જમીની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે.
સરહદી સુરક્ષાની સમીક્ષા
સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા માટે વિશેષ આયોજન કરાયું છે. એન્ટીનેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે BSF અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત BSFના જવાનો સાથે સંવાદ પણ કરવામાં આવશે.
