Kutch News: કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ માંડવી, અબડાસા તાલુકામાં પાણી પુરવઠો પૂર્વવત કરાયો, ખેતીમાં થયેલા નુકસાનનો પણ થઈ રહ્યો છે સર્વે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 01 Sep 2024 06:33 PM (IST)Updated: Sun, 01 Sep 2024 06:40 PM (IST)
after-heavy-rains-in-kutch-district-water-supply-has-been-restored-in-many-villages-of-mandvi-abdasa-and-taluka

Kutch News: કચ્છ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા તંત્ર દ્વારા જનજીવન પૂર્વવત કરવા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીની લાઈનોને પણ મોટાપાયે નુકશાન થયું છે ત્યારે ક્ષતિગ્રસ્ત તેમજ તૂટેલી લાઈનોને મરામત કરવાની કામગીરી પાણી- પુરવઠા વિભાગ દ્વારા તાકીદે શરૂ કરવામાં આવી રહી છે.

વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણ પામેલી પાણીની લાઈનોને રીપેર તથા નવી નાખીને ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી અને અબડાસા તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે અને હજી પણ પૂરજોશમાં સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.

પાણીની સમસ્યાઓનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તંત્ર કટીબઘ્ઘ છે ત્યારે અસરગ્રસ્ત લુડવા, બિદડા વગેરે ગામોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે, ધૂફી નદીમાં પાઇપલાઇન ફિટ કરીને તેરા સેક્શનમાં તથા બુડિયા ગામની પાણીની લાઈન રીપેર કરીને પાણીની સપ્લાય શરૂ કરવાની કામગીરી કરાઈ છે.

ખેતીમાં થયેલ નુકસાનના સર્વેની કામગીરી
કચ્છ જિલ્લામાં વરસાદી આફતના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, ખેતી ક્ષેત્રે પહેલી નજરે જોતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે.ત્યારે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ટીમોની રચના કરવામાં આવી છે.આ વિવિધ ટીમ દ્વારા ભારે વરસાદના પગલે ખેતી અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાની માટે જિલ્લાના ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.