સાબરકાંઠાની આદિવાસી દીકરીઓએ વિદેશમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ: ગુજરાત સરકારે આપ્યા રુ. 3.5 કરોડ!

સાબરકાંઠાની અંજનાબેન બુંબડિયા અને તેજલ ડામોરે આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા. ગુજરાત સરકારે બંને ખેલાડીઓને કુલ રૂ. 3.5 કરોડનું ઇનામ આપ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 12:44 PM (IST)Updated: Wed, 04 Nov 2026 12:44 PM (IST)
sabarkantha-tribal-girls-para-athletics-gold-medals-gujarat-government-3-5-crore-reward

Sabarkantha News: ગુજરાતની દીકરીઓ રમતગમત ક્ષેત્રે વૈશ્વિક મંચ પર ડંકો વગાડી રહી છે. સાંબરકાંઠા જિલ્લાની બે આદિવાસી દીકરીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પેરા એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા બંને ખેલાડીઓને કુલ 3.5 કરોડના રોકડ પુરસ્કાર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ છે.

અંજનાબેન બુંબડિયાએ મેળવ્યો ગોલ્ડ

સાબરકાંઠાના પોશીના તાલુકાના આંજણી ગામની વતની અંજનાબેન રોહિતભાઈ બુંબડિયાએ જાપાનના આઈચી નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સમાં 2026માં પેરા એથ્લેટિક્સ વિમેન્સ T47 કેટેગરીની 400 મીટર દોડમાં ભારતીય ત્રિરંગો લહેરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર હેઠળ 2 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો છે.

તેજલ ડામોરે દુબઈ સ્પર્ધામાં જીત્યો ડબલ ગોલ્ડ

જ્યારે વિજયનગરના આમોદરા ગામની રહેવાસી તેજલબેન ડામોરે દુબઈ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય દાખવીને 200 મીટર અને 400 મીટર દોડમાં બે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરીને આંતરરાષ્ટ્રીય લેવલે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યુ્. આ અસાધારણ સફળતાને બિરદાવતા ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત રુ.1.5 કરોડની રોકડ રકમ આપીને સન્માનિત કર્યા છે.

યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત

ગુજરાત સરકારની સ્પોર્ટ્સ પ્રોત્સાહક નીતિના ભાગરૂપે આપવામાં આવેલા આ પુરસ્કારો આદિવાસી ક્ષેત્રની અન્ય દીકરીઓ અને ગ્રામીણ યુવા રમતવીરોને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રબળ પ્રેરણા પૂરી પાડશે.